Hun To Bolish | હું તો બોલીશ | 'કિલર' કોન્ટ્રાક્ટર કે કર્મચારી ?
નર્મદાના કેવડિયામાં બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવકોને ચોરીની શંકામાં પકડયા. બાદમાં રાત્રી દરમિયાન દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું...એક યુવક જયેશ તડવીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવકનું સારવાર સમયે મૃત્યુ થયું. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, બંને યુવકોના હાથ બાંધી PVCના પાઈપ. લાકડીથી માર મરાયો હતો. આરોપીઓમાં 2 ગોધરાના છે. જ્યારે અન્ય ચાર પરપ્રાંતીય છે. આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. બીજી તરફ બંને યુવકોનું મૃત્યુ થતા રાજકારણ ગરમાયું છે..આ મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પીડિત પરિવારને મળવા પહોંચ્યા. દર્શનાબેન પીડિત પરિવારને મળીને ભાવૂક થયા...અને આશ્વાસન આપ્યું કે, આ કેસમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમને કડક સજા થાય તે માટે મુખ્યમંત્રીને જાણ કરીશું અને અહીં બહારથી આવતા કોન્ટ્રાક્ટરોને એન્ટ્રી ન મળવી જોઈએ તે બાબતે પણ યોગ્ય જગ્યાએ રજુઆત કરીશું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. ચૈતર વસાવાની માગ હતી કે, પહેલાં એજન્સીનું નામ પણ ફરિયાદમાં દાખલ કરો. પછી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે. સાથે તેમણે કેવડિયા બંધનું એલાન આપ્યું. જેમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યું. હવે આગામી મંગળવારે આદિવાસી સમાજ એકત્રિત થઈ કેવડિયામાં શોકસભા યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે પણ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી. અને બંને મૃતકોના પરિવારને 4.50 લાખની સહાય અર્પણ કરી હતી તેમજ બંને પરિવારોને બીજા 4-4 લાખ આગામી 3 મહિનામાં ચૂકવી દેવાશે તેવી પણ ખાતરી આપી. તેમની સાથે નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ પણ પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપી અને કોંગ્રેસ-AAP પર આરોપ લગાવ્યા કે, તેઓ આદિવાસી યુવકના મૃત્યુ પર રાજકીય રોટલા શેકી રહ્યા છે.