Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને હેરાન જ થવાનું?
ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે શરૂ કરાયેલુ ઈ-સમૃદ્ધી પોર્ટલ સતત બીજા દિવસે બંધ રહેતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો આવ્યો છે વારો. સરકારે રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની જાહેરાત તો કરી છે. પરંતુ પોર્ટલ ડાઉન થતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન નથી થઈ રહ્યું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. ડિજીટલ ઈન્ડિયાની વાતો વચ્ચે ઉપલેટાના કોલકી ગામમાં છેલ્લા બે દિવસથી ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પરેશાન થઈ રહ્યા છે. આવી જ સ્થિતિ રાજકોટ તાલુકાના ગઢકા ગામે પણ છે. વહેલી સવારથી ખેડૂતોએ લાઈનો લગાવી છે. તો ક્યાંક સર્વર ઠપ્પ તો ક્યાંક સર્વર જામ હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ટેકાના ભાવે ખરીદી પહેલા રજિસ્ટ્રેશન બનાવાયું છે ફરજિયાત. પરંતુ ખેડૂતો ખેતરો મૂકી પંચાયતની ઓફિસ પર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, 15 દિવસમાં તમામ ખેડૂતોના રજિસ્ટ્રેશન થવા શક્ય નથી.





















