Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે એક અદભૂત સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં એક સુંદર વીડિયો છે, જેના ઉપર લખેલું છે: "જહાં પ્રકૃતિ સુરક્ષિત હોતી હૈ, વહી હર જીવ અપના ઘર બસાતા હૈ." વીડિયો પણ જરૂરથી ઓડિયો સાથે જોવો.
શંકરભાઈએ વીડિયોમાં સુઘરીના માળાઓ દર્શાવ્યા છે. સુઘરી સૌથી વધુ મહેનતુ અને સમજદાર પક્ષીઓમાંની એક છે. તે એક-એક તણખલું ભેગું કરીને ઝાડની ડાળી પર પોતાનું માળું બનાવે છે. તે આવું એટલા માટે કરે છે કે તેના પરિવારનું, તેના બચ્ચાંનું અને તેના ઘરનું રક્ષણ થઈ શકે. પરંતુ આપણે શું કરીએ છીએ? પક્ષીઓ સમજે છે, પ્રાણીઓ સમજે છે, પરંતુ આપણે ઘણી વખત નથી સમજતા. આપણે કુદરતે બનાવેલા પાણીના નિકાલના કુદરતી માર્ગો પર જ ઘર અને મિલકતો ઊભી કરીએ છીએ. પરિણામે, ભારે વરસાદ આવે ત્યારે આપણે જ મુશ્કેલીમાં મુકાઈએ છીએ.
આટલા ભારે વરસાદ દરમિયાન સુઘરીના માળા બહારથી ભીંજાયા હશે, પરંતુ તેના માળાની અંદર પાણીનું એક ટીપું પણ ગયું નહીં હોય. બીજી તરફ, અમદાવાદના કહેવાતા અરબોપતિઓએ મોંઘા આર્કિટેક્ટો દ્વારા બનાવેલા બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયું. કારણ સ્પષ્ટ છે. સુઘરી પ્રકૃતિનું જતન કરીને, તેને અનુરૂપ પોતાનું ઘર બનાવે છે. જ્યારે આપણે પ્રકૃતિના નિયમો અને કુદરતી વ્યવસ્થાને અવગણીને વિકાસ કરીએ છીએ. તેથી જ આજે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.






















