(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કી
સુરતમાં ગઈકાલે એટલે કે રાતના સમયે સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા અભિષેક કોમ્પલેક્ષના ત્રીજા માળે આગની ઘટના બની. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલા જિમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગ આખા ફ્લોર પર પ્રસરાઈ ગઈ. જિમ માં જ પાર્ટીશન કરી બનાવવામાં આવેલા અમૃત્ય સ્પા એન્ડ સલુન સુધી આગ પ્રસરી. જ્યાં આગ લાગી ત્યારે સ્પામાં 5 લોકો હાજર હતા. જેમાં 4 મહિલા અને 1 વોચમેન હતો. ધુમાડો નીકળતાની સાથે જ 2 મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યાં. જ્યારે બે સ્ટાફની મહિલાઓએ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો. જેથી, કરીને ધુમાડો ન આવે પરંતુ વધુ પડતી હિટને કારણે ધૂમાડો ફેલાયો અને ગુંગળામણને કારણે બંનેનું મૃત્યુ થયું. આગ બુઝાવવા માટે સુરત શહેરની 15 ફાયરની ટીમ કામે લાગી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ બંને મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. બંને મહિલા સિક્કમ રાજ્યની બીનુ હગમા લીંબુ અને મનીશા દમાઈ હોવાનું સામે આવ્યું છે. FSLની ટીમે સ્પામાંથી તપાસ માટે નમૂના લીધા છે. પોલીસે જીમ સંચાલક દિલશાદ અને શાહનવાઝને સાથે રાખી સ્થળ પર તપાસ કરી. આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી દેખાય છે. કારણ કે, જ્યાં આગ લાગી તે ફોર્ચ્યુન મોલ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે તેનું અસલી નામ શિવપૂજા અભિષેક કોમ્પલેક્સ છે. જેના ત્રીજા માળે દોઢી હાઇટના સ્લેબ લઈને બનાવેલા માળમાં સનસિટી જિમ ચાલતું હતું. આ જિમમાં ગઈ ઓગસ્ટમાં એટલે કે રાજકોટ અગ્નિકાંડ બાદ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તેની ફાયર NOCની ડેટ પૂરી થઈ ચૂકી હોવાથી રિન્યુ કરવા માટે નોટીસ આપી હતી. પરંતુ ત્યારબાદ શું થયું? ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરીને NOC રિન્યુ કરવામાં આવી કે કેમ? તેની ફાયરના અધિકારીઓને કોઈ જાણ જ નથી. એટલું જ નહીં. મોલની ડિઝાઇન પણ જોખમી છે. આખા બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ બ્લૂ કલરના કાચથી ઢંકાયેલો છે, જેના કારણે કોઈપણ પ્રકારની હવાની અવરજવર થઈ શકે તેમ નથી. કાચની વોલ હોવાને કારણે અંદરથી ધુમાડો બહાર જઈ શકે એમ નહોતો અને પરિણામે આગ ખૂબ જ નાની હોવા છતાં પણ માત્ર સ્મોકના કારણે બંને યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.