Hun To Bolish : હું તો બોલીશ : વરસાદના એલર્ટથી તો જાગો
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગયા ઓગસ્ટમાં મહિનામાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતી ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝની વિવિધ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.. જેનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયું હતું. દેણાથી મારેઠા સુધી 24 કિલોમીટરનો વિશ્વામિત્રીનો પટ ઉંડો કરવામાં આવી રહ્યું છે. 236 હેક્ટર જેટલા નદી વિસ્તારમાં જંગલ કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ગયા મંગળવારે પડેલા માત્ર ત્રણ ઈંચ વરસાદમાં 119 જગ્યાએ એકથી બે ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. કેટલાક વિસ્તારો એવા હતા કે ત્યાં પાણી ઓસરતા 48 કલાક જેટલો સમય લાગી ગયો. ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતોએ પહેલાથી જ કરી દીધી હતી છતાં પણ કોર્પોરેશને કોઈ કામગીરી ન કરી. જેના પાપે 119 જગ્યાએ પાણી ભરાયા અને લોકો હેરાન થયા. ગયા મંગળવારે અમદાવાદમાં પડેલા વરસાદની વાત કરીએ તો 7 ઝોન એવા હતા કે જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. અને મધ્યઝોનમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બુધવાર બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો જેમાં ઠેર ઠેર સુધી પાણી ભરાયા. જેને કારણે ઘણા રસ્તાઓ બંધ થયા અને 4 જેટલા અંડરપાસ બંધ કરવા પડ્યા. જેમાંના એક IOC અન્ડરપાસ તો હજુ પણ પાણીમાં ગરકાવ છે. શહેરમાં છેલ્લા 72 કલાકથી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. આ સ્થિતિ છે મારા અમદાવાદની. મંગળવારે પડેલા વરસાદમાં પાણી ભરાયાની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં 29 જગ્યાએ પાણી ભરાયા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 52. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 12.....મધ્ય ઝોનમાં 13....પૂર્વ ઝોનમાં 2...ઉત્તર ઝોનમાં 3....અને દક્ષિણ ઝોનમાં 7 જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી ન ભરાય તે માટે કોર્પોરેશને મોટા ભાગના વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજ લાઈન નાખી છે. તેમ છતાં પાણી જે ઝડપથી ઓસરવું જોઈએ તે ઝડપે ઓસરતું નથી. સાબરમતી નદીનું લેવલ વધી જાય ત્યારે ગટરો બેક મારવાની વર્ષોથી સમસ્યા છે. પ્રિમોન્સૂન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં ચોમાસામાં નાગરિકોને હેરાન તો થવું જ પડે છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ કોર્પોરેશને પ્રિમોન્સૂન પાછળ ફાળવેલા બજેટની વાત કરીએ વર્ષ 2023માં 118 કરોડ રૂ...વર્ષ 2024માં 147 કરોડ રૂ. વર્ષ 2025માં 156 કરોડ રૂપિયા ફાળવ્યા છે. છતાં સ્થિતિ આપ જોઈ શકો છો. 5 દિવસ પહેલા ફૂંકાયેલા ભારે પવનમાં 75 સ્થળોએ વૃક્ષ અને ડાળીઓ ધરાશાયી થયા છે. શ્યામલ, સેટેલાઈટ, નેહરુનગર વિસ્તારમાં તો હોર્ડિંગ પડવાના બનાવ સામે આવ્યા હતા. કમોસમી વરસાદ બંધ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અધિકારીઓને વૃક્ષ ટ્રિમ કરવાની, ભયજનક હોર્ડિંગના સ્ટ્રક્ચર રિપોર્ટ ચકાસવાની અને જે અન્ડરપાસમાં પાણી ભરાતા હોય તેના સમારકામ માટેની સૂચના આપી હતી. પરંતુ આજે અમે રિયાલિટી ચેક કર્યું તો હજુ પણ માણેકબાગ અને શ્યામલ વિસ્તારમાં જોખમીરીતે હોર્ડિંગ લટકેલા દેખાઈ રહ્યા છે.





















