Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂત ક્યારે થશે બે પાંદડે?
ખેડૂતોની આવક ડબલ કરવાની જાહેરાત સામે ગુજરાતનો ખેડૂત મહિને સરેરાશ માત્ર 12 હજાર રૂપિયા કમાતો હોવાનો આંકડો સંસદમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જાહેર કર્યો છે. આ આંકડા મુજબ ગુજરાતના ખેડૂતની સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા છે....અને દેશમાં આવક મુદ્દે 10માં ક્રમે ગુજરાત છે. સરકારે ચાલુ વર્ષે અંદાજપત્ર રજૂ કરતા કહ્યું હતુ કે, ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક 2.41 લાખ રૂપિયા આસપાસ છે. અને આ મુજબ માસિક આવક 20 હજાર રૂપિયા થાય. તેની સામે ખેડૂતોની સરેરાશ આવક બધા જ નાગરિકોની સરેરાશ આવકથી લગભગ 40% ઓછી થાય છે. સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાત કરતાં મેઘાલય, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતોની આવક બમણાંની આસપાસ છે. સરકારે રજૂ કરેલાં આંકડા જુલાઇ-2018થી લઇને જૂન-2019 કૃષિવર્ષને ધ્યાને રાખીને મૂકાયાં છે.
ખેડૂતો પરના માથાદીઠ દેવાની સ્થિતિની વાત કરીએ તો, ગુજરાત આ મુદ્દે 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતો પરનું માથાદીઠ દેવું 56,568 રૂપિયા છે. આ આંકડા મુજબ ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવાદાર છે. સૌથી વધુ માથાદીઠ દેવું આંધ્રપ્રદેશના ખેડૂતો પર રૂપિયા 2.45 લાખ કરતાં વધુ છે. તે પછી કેરળ, પંજાબ, હરિયાણા અને તેલંગાણાનો ક્રમ આવે છે.