Hun To Bolish | હું તો બોલીશ | કેનેડા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા પહોંચવું કેમ થયું મુશ્કેલ?
સ્ટુડન્ટ વિઝાને લઇને કેનેડામાં વસવાનું સપનું જોતા યુવાનોને કેનેડિયન સરકારની નવી ઈમિગ્રેશન પોલીસીથી મોટો ઝટકો લાગી શકે છે. ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી 70,000થી વધારે વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પાછા ફરવાની નોબત આવી શકે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે 'અમે કેનેડામાં ઓછા વેતનવાળા, અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે'. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. કેનેડિયન સરકારે કરેલા ફેરફારો 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ કેપ વિદેશી કામદારો તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને આશ્રય શોધનારાઓને લાગુ પડશે. નવી નીતિમાં કાયમી નિવાસી નોમિનેશનમાં 25 ટકાનો ઘટાડો અને અભ્યાસ પરમિટ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેમની આ જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યારસુધીમાં 9 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. અને 2024ના અંત સુધીમાં 5 લાખ કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી. જેના કારણે નવી ઈમિગ્રેશન પોલીસી લાવવામાં આવી. આ મુદ્દે ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કેનેડામાં અમે અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચુકવણી કરી અને CRSમાં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવીને પોલિસી બદલી નાખી. કેનેડાની સરકાર અત્યારસુધી કહેતી આવી છે કે ઈમિગ્રન્ટ્સને અહીં લાવવાનું એક મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું છે. મજૂરોની અછતને પહોંચી વળવા કેનેડાની સરકારે અસ્થાયી વિદેશી કામદારો માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ અંતર્ગત મોટી સંખ્યામાં વિદેશીઓને વર્ક પરમિટ આપવામાં આવી હતી. વર્ષ 2023માં 1 લાખ 83 હજારથી વધુ પરમિટ આપવામાં આવી હતી. કેનેડાના રોજગાર અને સામાજીક વિકાસ સંગઠનએ સરકારની આ નીતિનો સખત વિરોધ કર્યો હતો. આરોપ છે કે તેના સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી અને તેમની જગ્યાએ અન્ય દેશોના લોકોને નોકરી આપવામાં આવી. ઈમિગ્રન્ટસની વધતી જતી વસ્તી અને સ્થાનિક લોકો માટે રોજગારનો અભાવ ટ્રુડો સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. ગયા વર્ષની વસ્તી વૃદ્ધિના લગભગ 97% ઈમિગ્રન્ટ્સને કારણે હતી. કેનેડામાં આવતા વર્ષે ચૂંટણી યોજવાની છે, તેથી કાયમી લોકો માટે રોજગાર અને આવાસનો અભાવ મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે. આ કારણે ટ્રૂડો સરકાર અસ્થાયી નિવાસીઓ અને વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા માંગે છે. જો કે, કેનેડામાં વિદ્યાર્થીઓ પહેલાંથી જ આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેનેડા સરકારના ડેટા પ્રમાણે, વર્ષ 2022માં કુલ સાડા 5 લાખ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓમાંથી 2 લાખ 26 હજાર વિદ્યાર્થીઓ ભારતના હતા. જે કુલ વિદ્યાર્થીઓના 40% છે. આ પહેલાં 3 લાખ 2 હજાર ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટેલ કે બેઝમેન્ટમાં રહે છે. થોડા સમય પહેલા કેનેડાએ GICમાં વધારો કર્યો હતો. 10 હજાર ડૉલરની જગ્યાએ 20,635 ડૉલર GIC કરી નાખી. એટલે કે પહેલા વિદ્યાર્થીઓને 6.30 લાખ રૂપિયા ભરવા પડતા હતા જે હવે 13 લાખ રૂપિયા જેટલા ભરવા પડે છે. જો નોકરીની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલાંથી જ પાર્ટ ટાઈમ જોબનું સંકટ છે. અહીં પહેલાથી જ વિદેશી વિદ્યાર્થીઓ આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહે છે. હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે અઘરું સાબિત થશે.