Ahmedabad Water Logging: અમદાવાદમાં વરસેલા વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ
બુધવારે વરસેલા વરસાદે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી.. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ.. વરસાદી પાણી ભરાતા સવારે નોકરી-ધંધા પર જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ.. જેને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી. તો આ તરફ સાબરમતી ડી કેબીન પાસે પણ આવેલ અંડરપાસ જળભરાવને લીધે બંધ કરવાની ફરજ પડી હતી..
ભારે વરસાદને કારણે સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા.. થલતેજ અંડરપાસ નજીક રોડ પર પાણી ભરાતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. સરદારધામ પાસેથી ખોડીયાર ગામ જવાના રસ્તા પર પણ પાણી ભરાતા પ્રશાસનની પોલ ખુલી.. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા..
પૂર્વ વિસ્તારમાં અજીત મિલ વિસ્તારમાં ચાર રસ્તા પર જ પાણી ભરાતા આસપાસના વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવાની નોબત આવી હતી. તો ઓફિસે જતા નાગરિકો પોતાના વાહનો પાણીમાં હંકારવા મજબુર બન્યા. આવી જ હાલત નારોલ ચાર રસ્તાની જોવા મળી.. ઈસનપુર જવાના રસ્તા પર વાહનોના પૈંડ ડુબી જાય તેટલા પાણી ભરાયા.. નિકોલ રિંગરોડ પર પાણી ભરાતા ટ્રક પલટી હતી.. ઘાસ ભરેલ ટ્રક ખાડામાં પલટી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી..




















