ભાયાવદર નજીક દારૂ ભરેલી કારે મારી પલટી, બુટલેગરને સારવાર માટે ખસેડાયો
રાજકોટ જિલ્લાના ભાયાવદર નજીક સાતવડી-પાનેલી રોડ પર પડવલા ગામ પાસે દારૂ ભરેલી કાર પલટી મારી જવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, 112 પોલીસની ટીમે શંકાસ્પદ કારનો પીછો કરતા કારમાં સવાર બુટલેગરો ગભરાઈ ગયા હતા. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં એક બુટલેગર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારની તપાસ હાથ ધરી હતી. પોલીસે કારમાંથી 204 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે વધુ તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ રણજીત ભૂતિયા અને અરજણ ઉર્ફે લાલો ઉર્ફે ભૂરી ભારવાડિયા તરીકે કરી હતી.




















