(Source: ECI/ABP News/ABP Majha)
Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી લોકસાહિત્ય ક્ષેત્રે કિર્તીદાન ગઢવીને સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના એક એવા લોકગાયક જેમણે ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિ સમાન લોકસંગીત ક્ષેત્રે વિશ્વભરમાં કિર્તીસ્તંભ સ્થાપિત કર્યો. જેમના નામમાં જ કિર્તી છે એવા કિર્તીદાન ગઢવી. ડાયરા અને ગરબાથી ઘર ન ચાલે. એવું માનનારા સમાજમાં કિર્તીદાન ગઢવી હાલના કદાચ સૌથી વ્યસ્ત અને સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનારા લોકગાયક છે. આણંદના વાલોળ ગામમાં જન્મેલા કિર્તીદાને સંગીત માટે એક સમયે પરિવારની સામે સંઘર્ષ કરતા પણ ન વિચાર્યું. પરિવારની ઈચ્છા વિરૂદ્ધ કૉમર્સનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડી વડોદરાની એમ એસ યુનિ.માં સંગીતનો અભ્યાસ કર્યો. સૂર,રાગ,તાલને જ દુનિયા માનનારા કિર્તીદાનનો અવાજ પહેલા દેશમાં અને બાદમાં સરહદોને પણ પાર શ્રોતાઓના હ્રદય સુધી પહોંચાડ્યો 'લાડકી' ગીતે. ત્યારથી સરસ્વતિની સાથે સાથે લક્ષ્મીની કૃપા પણ હંમેશા કિર્તિદાનની સાથે રહી છે. ગુજરાતી લોકસંગીત એવા ડાયરા, ગરબાને દેશ-વિદેશમાં પહોંચાડવાનો શ્રેય કિર્તીદાનને અચૂક જાય. લોકસંગીત ક્ષેત્રે કિર્તીદાન ગઢવીને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.