Gujarat Teaching Scam | એક પણ ગુલ્લીબાજ શિક્ષકને સાખી નહીં લેવાય...: પ્રફુલ પાનસેરિયા
રાજ્યની શાળાઓમાં ચાલતી લાલિયાવાડીના પર્દાફાશ બાદ હવે અત્યાર સુધી ભગવાન ભરોસે ચાલતું શિક્ષણ વિભાગ સફાળુ જાગ્યું. લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં શિક્ષણ સચિવ મુકેશ કુમાર અને પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતના હાજર રહ્યા. જેમાં ચાલુ ફરજે વિદેશમાં સ્થાયી થઈ ગયેલા અને શાળાએ વર્ષોથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે ચર્ચા કરવામાં આવી. શિક્ષણ સચિવ અને નિયામકે ગેરહાજર શિક્ષકો મુદ્દે માગેલી માહિતી રજૂ કરી. આ બેઠકમાં રાજ્ય શિક્ષણમંત્રી પાનસેરિયાએ કહ્યું કે ગેરહાજર શિક્ષકોને સાખી નહીં લેવાય. 17 જિલ્લામાં 31 શિક્ષક બિન અધિકૃત રીતે વિદેશમાં સ્થાયી થયા છે અને અન્ય 32 શિક્ષક વિદેશ ગયા છે. આ સાથે શિક્ષણમંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે તમામ શિક્ષકોને પગાર આપવામાં આવતો નથી. કાયદાના નિષ્ણાંતો પાસેથી નિયમો મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનારા એક પણ શિક્ષકને બક્ષવામાં નહીં આવે. તો પાનસેરિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે જે શિક્ષક પોતાના સ્થાને અન્ય વ્યકિતને શિક્ષક તરીકે મોકલતો હશે તેની સામે પણ કાર્યવાહી કરાશે.