HMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએ
એચએમપીવી વાઇરસને ધ્યાને રાખીને ખાનગી સ્કૂલો માટે એડ્વાઈઝરી જાહેર કરાઇ છે. સંચાલકો દ્વારા વાલીને મેસેજ મોકલાયો છે કે, જો બાળકને શરદી, તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો, સ્કૂલ બાળકનું પેપર ફરી લેશે. પરંતુ હાલમાં બાળકોની સુરક્ષા સાથે સ્કૂલમાં પણ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ખાનગી સ્કૂલોની સાથે જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે પણ એડ્વાઇઝરી જાહેર કરાઇ છે.
સ્કૂલ સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે દરેક વાલી જોગ સુચના પોતાના સોશિયલ મીડિયાના ગ્રૂપમાં મોકલી છે. સંચાલકોના મતે, એક વિદ્યાર્થીને કારણે અન્ય વિદ્યાર્થી પર અસર ન થાય તે માટે એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશન (એઓપીએસ)ના સંચાલકો દ્વારા અને જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે સૂચના જાહેર કરાઇ છે. સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, હાલમાં વિવિધ સ્થળે કેસ આવી રહ્યાં છે. ડરવાની કોઇ જરૂર નથી. પરંતુ સંચાલકો દ્વારા વાલીઓને જાગ્રત કરવા માટે સૂચના અપાઇ છે. બાળકો માસ્ક પહેરે, તાવ- શરદી હોય તો બાળકને સ્કૂલે ન મોકલવાની સુચના આપી છે.