(Source: ECI | ABP NEWS)
Ingoriya Yudh in Amreli: સાવરકુંડલામાં ઈંગોરિયા યુદ્ધ, વર્ષો જૂની પરંપરા યથાવત, શેરીઓ બની રણભૂમિનું મેદાન
દિવાળીની રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગ્રામજનો વચ્ચે ઈંગોરિયા યુદ્ધ જામ્યું હતું. દિવાળીની રાત્રે લોકોએ એકબીજા પર આગના છૂટા ગોળા ફેંક્યા હતા. વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની આ પરંપરા આજે પણ અડિખમ છે. દેશભરમાં દિવાળીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા 150 વર્ષોથી ચાલી આવે છે અને આ ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની ગયું છે.
નાવલી નદીની બંને બાજુએ રહેતા યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર સળગતી આગ સમા ઈંગોરીયા ફેંકે છે. નાવલી નદી, મણીભાઈ ચોક , દેવળા ગેઈટ પાસે ઈંગોરીયાનું યુદ્ધ થાય છે. ગઈકાલે પણ આગના ગોળા એકબીજા પર ફેંકીને સાવરકુંડલાના લોકોએ મનભરીને આ રમતનો આનંદ માણ્યો હતો. મહિનાઓની મહેનત બાદ ઈંગોરિયામાં દારૂખાનું ભરી તૈયાર કરવામાં આવે છે.



















