Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?
રાજ્યમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજથી આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદયપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ સંઘપ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ગાજ વીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.