Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થવાનું છે. બુધવારે રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાંથી 16 સીટો કાશ્મીરની અને 8 સીટો જમ્મુની છે. આ તબક્કામાં દક્ષિણ કાશ્મીરના 4 જિલ્લાઓ પુલવામા, શોપિયાં, અનંતનાગ અને કુલગામમાં આજે મતદાન થશે. જમ્મુના 3 દુર્ગમ પહાડી જિલ્લાઓમાં મતદાન થવાનું છે, જેમાં ડોડા, કિશ્તવાડ અને રામબનનો સમાવેશ થાય છે.
રાજ્યમાં 10 વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.