Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડની ફૂટપાથ પર જાહેરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બે યુવતીએ ફિનાઈલ પી સજોડે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેરના નાનામવા વિસ્તારની પ્રિયા મેહુલ ચૌહાણ ઉર્ફે પીહુ રાજપૂત અને મોરબીની અનિશા કાસમાણીએ ત્રણ યુવતી સહિત ચાર લોકોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો. ફિનાઈલ પીતી વખતે વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં બંને સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સરે આરોપ લગાવ્યો કે, માધાપર ચોકડી ખાતે રહેતી સોનલ ઉર્ફે દીદુ, રિદ્ધી શુક્લા અને તેનો પતિ મેહુલ તથા અંકિતા પટેલના ત્રાસના કારણે આ પગલું ભરવું પડે છે . પીહુના પતિ મેહુલ ચૌહાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે 9 ડિસેમ્બરના પીહુ, અનિશા અને રીહાના સુમરા મુંબઈ ગયા હતા અને ત્રણ દિવસ પૂર્વે પરત આવ્યા હતાં. આ અંગે પીહુ અને અનિશાએ વીડિયો અપલોડ કર્યો હતો અને તેમાં ઉલ્લેખ કર્યું કે મુંબઈના લોકો એની મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે... જે બાબતે સોનલ અને તેની ગ્રુપની યુવતીઓએ તમે પાકિસ્તાની છો તેવું કહી અપશબ્દો ભાંડ્યા હતાં. જેના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધું. હાલ તો તબીબોએ બંનેની હાલત સ્થિર ગણાવી છે. પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




















