Surat Rain Data: સુરતમાં અત્યાર સુધીમાં 16 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Surat Rain Data: સુરતમાં અત્યાર સુધીમાં 16 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Surat Rain: ગુજરાતમાં સુરતમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા અને ડેમો ભરાઇ ગયા છે. જિલ્લામાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઇ છે. તાજા અપડેટ પ્રમાણે, સુરત શહેરમાં 13.6 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. સુરત શહેરમાં ગઇકાલે પણ સવારના 8 થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે. જ્યારેે સુરત શહેરમાં દોઢ દિવસમાં જ 16 ઇંચ વરસાદ પડી ગયો છે.
હાલમાં ગુજરાત ઉપર સર્જાયેલી અપર એરસર્ક્યૂલેશનની અસર હેઠળ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં અવકાશી આફતનો કોઈ અંત નથી આવી રહ્યો, છેલ્લા 24 કલાકમાં સુરતમાં સાડા તેર ઈંચ વરસાદ વરસતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે.
કામરેજ, પલસાણા, બારડોલીમાં 7 થી સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ઉતર્યા ત્યાં તો સુરત શહેરમાં ખાડીપુરનો ખતરો ઉભો છે. સુરતના પૂણામાં ખાડીના પાણી રસ્તાઓ પર આવ્યા છે, ખાડીના પાણી શહેરમાં ઘૂસતા રાહદારી-વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ધંધા રોજગાર માટે જતા લોકોને સવારથી જ હલાકી પડી રહી છે. ખાડીઓની સાફ- સફાઈની SMCની કોઇ નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ ખાડી ઉભરાવવાનું શરૂ થઇ ગયુ છે. પૂણા વિસ્તારના રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા છે.
સવારના 6 થી સાંજના 6 સુધીના બાર કલાકની વાત કરીએ તો, સુરત શહેરમાં સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ચોર્યાસી, માંગરોળ અને માંડવીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.


















