Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
સુરતના કીમ રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી પાર્સલનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતર્યો. ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળતા રાહત.
સુરત જીલ્લાના કીમ રેલવે સ્ટેશન પર આજે બપોરે 3.30 વાગ્યાના આસપાસ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. બપોરે 3.30 વાગ્યાના સમયે ભુસાવળ થી દાદર થઈ પોરબંદર જઈ રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન કીમ રેલવે સ્ટેશન પહેલા સાઈડીંગ ટ્રેક પરથી મુખ્ય ડાઉન ટ્રેક પર આવી રહી હતી દરમ્યાન પ્લેટફોર્મ પાસે પહોંચતા એન્જિન પછીના પાર્સલ બોગીના 4 જેટલા ટાયર કોઈક કારણસર ટ્રેક પરથી સ્લીપ થઇ નીચે ઉતરી ગયા હતા. જોકે ઘટના બની ત્યારે આખી ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. જોકે સાઈડીંગ પરથી ડાઉન ટ્રેક પર આવી રહી હોવાના કારણે ટ્રેનની ગતિ એકદમ ઓછી હતી જેને કારણે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. જોકે ઘટનાને લઇ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ સાથે તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મરામત કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને આશરે સાડા ત્રણ કલાકની જહેમત બાદ ટ્રેનને ફરીથી ટ્રેક પર ચઢાવી કીમ રેલવે સ્ટેશન પર થી રવાના કરવામાં આવી હતી. અને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો હતો