Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?
સુરતના ડીંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભાજપ નેતાએ યુપી જેમ હાથમાં પિસ્તોલ લઇ શેખી મારવી ભારે પડી હતી. લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજેના કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતાએ શેખી મારવા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.જ્યારે હોસ્ટરમાં પિસ્તોલ મુકતી વેળાએ થયેલા બે મિસ ફાયરિંગના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ભાજપ નેતાને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. જ્યાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રી - કન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉપરાંત આ ભાજપ નેતા ના હથિયારનું લાઇસન્સ રદ કરવા માટેની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ શક્તિ સોસાયટીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. રવિવારના રાત્રિના 11:00 વાગ્યાના સમય દરમિયાન અહીં ચાલી રહેલા લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ નેતા ઉમેશ તિવારીએ શેખી મારવા માટે પોતાની પાસે રહેલી લાઇસન્સ વાળી પિસ્તોલ જોડે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ભાજપ નેતાની આ ઘોર બેદરકારીના પગલે હોસ્ટર માં પિસ્તોલ મુકતી વેળાએ વધુ બે રાઉન્ડ ફાયરિંગ થતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સંતોષ દુબે અને વિરેન્દ્ર વિશ્વકર્મા ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..
ઘટનાની જાણકારી મળતા મોડી રાત્રે જ ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાંઈ શક્તિ સોસાયટીમાં મિશ્રા પરિવારના ત્યાં દીકરીના લગ્ન હતા અને લગ્નના એક દિવસ અગાઉ પીઠી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.પીઠી ના કાર્યક્રમની સાથે સાથે ડીજે નું પણ આયોજન કરાયું હતું. જે ડીજે માં ઉમેશ તિવારી નામનો વ્યક્તિ ઉપસ્થિત રહ્યો હતો. જેના દ્વારા મિસ ફાયર થતાં આ ઘટના બની હોવાનું મિશ્રા પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે આ ઘટનામાં સૌપ્રથમ તો અકસ્માતે આ ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં નોંધ્યું હતું. જોકે પોલીસે આ સમગ્ર ઘટના ની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરવાના બદલે ઠંડુ પાણી રેડી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટના બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ભાજપ નેતા ઉમેશ તિવારી લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજેના કાર્યક્રમમાં બિન્દાસ પણે યુપીની જેમ ફાયરિંગ કરતા જોવા મળ્યો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ઉમેશ તિવારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કરતો નજરે પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થાય છે. સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હોવા છતાં પોલીસે શા માટે આરોપી વિરુદ્ધ સૌપ્રથમ ગુનો નોંધી કડક કાર્યવાહી ના કરી તેવા સવાલ ઉપસ્થિત થયા હતા.
જોકે આ ઘટના ના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાની સાથે જ ડીંડોલી પોલીસ અંતે દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં જ ભાજપ નેતા ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી. આ ઘટના અંગે સુરત ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રીના અગિયાર વાગ્યે સાઈ શક્તિ સોસાયટીમાં ઘટના બની હતી.જે ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ વિરૂદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો છે. આરોપી રિવોલ્વર નું લાયસન્સ ધરાવે છે. ઘટના માં સંતોષ દુબે અને વીરેન્દ્ર વિશ્વકર્મા ને ઇજા થઈ છે.હાલ જે ગુન્હો નોંધ્યો છે તે BNS ની વિવિધ કલમો હેઠલ ગુન્હો નોંધ્યો છે. જેમાં અલગ અલગ સજાની જોગવાઈ છે.
જે ઘટના બની છે,તેમાં ફરિયાદી એ જણાવ્યું છે કે રિવોલવર સરખું કરવા જતા ફાયરિંગ થયું છે.પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જે પુરાવા મળશે તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.પ્રાથમિક વિગત માત્ર પોલીસે પાસે હતી,પરંતુ આસપાસ ના લોકોના નિવેદન બાદ હકીકત સામે આવી છે.આરોપીના હથિયાર નું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.પોલિસ દ્વારા સ્થળ પર ઘટના નું સીન રી -ક્રીએશન કરવામાં આવશે.આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવાંમાં આવશે. આરોપી એ શા માટે હથિયારનું લાયસન્સ મેળવ્યું , તેના કારણ ચકાસવામાં આવશે.
મહત્વનું છે કે કાયદો હાથમાં લેનારા તત્વો વિરુદ્ધ પહેલાથી જ રાજગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય ગૃહમંત્રી અગાઉ પણ પોતાના નિવેદનમાં જણાવી ચૂક્યા છે કે જો કોઈ કાયદો હાથમાં લેશે અને શહેરની શાંતિ ડહોળવા નો પ્રયાસ કરશે તો તેવા લોકો વિરુદ્ધ પોલીસ કડક સાથે કાર્યવાહી કરશે. એટલું જ નહીં પરંતુ આવા તત્વો ના જાહેરમાં સરઘસ પણ નીકળશે.રાજ્ય ગૃહમંત્રી ના આદેશ અને સૂચના અન્વયે સુરત પોલીસ આવા તત્વો વિરોધ કડક કાર્યવાહી કરી છે.જ્યાં ડીંડોલીમાં હાથમાં પિસ્તોલ લઈ શેખી મારનાર ભાજપ નેતા ઉમેશ તિવારી શાન પણ પોલીસે ઠેકાણે પાડી છે.જ્યાં ઉમેશ તિવારીનું સાંઈ શક્તિ સોસાયટીમાં સરઘસ કાઢી ઘટ્રના નું રી - કન્સ્ટ્રકશન પણ કરાયું છે. આરોપીએ કઈ રીતે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરતી વેળાએ કોણ કોણ ત્યાં હાજર હતું તે તમામ બાબતો એ પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.