Nepal Gen Z Protest: નેપાળમાં આક્રોશની આગ, PMના રાજીનામા બાદ પણ હિંસક પ્રદર્શન યથાવત
ભડકે બળ્યું નેપાળ. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર આક્રોશની આગ .26 સોશલ મીડિયા એપ્લિકેશન પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયના વિરોધમાં એનજીઓ હામી નેપાળના નેતૃત્વમાં યુવાનોનું આંદોલન જનરેશન ઝેડ બીજા દિવસે હિંસામાં ફેરવાયું. સરકારે મંગળવારે યુવાનોની માગ સ્વિકારી સોશલ મીડિયા પર પ્રતિબંધ હટાવી દીધા પછી આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેખાવોમાં ફેરવાયું અને વધુ હિંસક બની ગયું. જેથી રાજધાની કાઠમંડુ સહિત સાત શહેરોમાં કર્ફ્યુ નંખાયો હતો. પરંતુ દેખાવકારોએ અનેક સરકારી અને ખાનગી ઈમારતોમાં આગ લગાવી દીધી. પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના રાજીનામા પછી પણ યુવાનો શાંત થયા નથી..દેખાવકારોએ હવે કાઠમંડુના મેયર બાલેંદ્ર શાહના નેતૃત્વમાં વચગાળાની સરકાર અને સંસદ ભંગ કરી ચૂંટણીની માગ કરી રહ્યા છે. નેપાળમાં હિંસામાં અત્યાર સુધી 20થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આંદોલનકારીઓએ માત્ર જાહેર સંપત્તિઓને જ નુકસાન નહોતું પહોંચાડ્યું પરંતુ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રીઓના ખાનગી આવાસો, સંસદ,કોમ્યુનિસ્ટ પાર્ટી, નેપાળ કોંગ્રેસના મુખ્યાલય, સુપ્રીમ કોર્ટ, એટર્ની જનરલની ઓફિસ સહિત અને સરકારી ઈમારતોને આગ લગાવી દીધી છે. દેખાવકારોની હિંસાના પગલે કાઠમંડુનું એરપોર્ટ બંધ કરી દેવાયું હતુ. દેખાવકારોએ પૂર્વ પીએમ ઝાલનાથ ખાલનના ઘરમાં પણ તોડફોડ કરી આગ લગાવતા તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને પણ જીવતા સળગાવી દીધા. તો અન્ય એક પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાનું ખાનગી ઘર પણ આગને હવાલે કરી નાખ્યું....નેપાળના ચિતવન જિલ્લામાં મંગળવારે રાત્રે પ્રદર્શનકારીઓએ જિલ્લા વહીવટી કાર્યાલય અને ચૂંટણી કાર્યાલયમાં આગ લગાવી દીધી. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે.સવારથી કાઠમંડુ સહિતના મુખ્ય શહેરોમાં સેનાએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સેનાએ લાઉડસ્પીકર દ્વારા લોકોને વિરોધ ન કરવા અને શાંતિ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
















