ખેડૂતો માટે ખુશખબરઃ જૂન મહિનામાં આ તમારા ખાતામાં આવી શકે છે પીએમ કિસાનનો હપ્તો, જાણો પહેલા શું કરવું પડશે ?
છેલ્લો એટલે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાગલપુર, બિહારથી બહાર પાડવામાં આવ્યો હતો
ફરી એકવાર દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન યોજના) હેઠળ, 2000 રૂપિયાનો 20મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. આવી સ્થિતિમાં, બધા લાભાર્થીઓ આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ, દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે અને હવે 20મા હપ્તાનો વારો છે.
20મો હપ્તો ક્યારે આવશે ?
છેલ્લો એટલે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાગલપુર, બિહારથી બહાર પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન, લગભગ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ૨૦મો હપ્તો જૂન 2025 માં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી.
શું તમને 20મો હપ્તો મળશે ?
તમને આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારું નામ લાભાર્થી યાદીમાં સામેલ હશે. ઘણી વખત કેટલાક ખેડૂતો અધૂરા દસ્તાવેજો અથવા ટેકનિકલ કારણોસર હપ્તાની રકમ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, તમારું નામ યાદીમાં છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે.
લાભાર્થીઓની યાદી કેવી રીતે તપાસવી
સૌ પ્રથમ, પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
હોમપેજ પર આપેલા 'Farmers Corner' વિભાગ પર જાઓ.
અહીં 'Beneficiary' પર ક્લિક કરો.
આ પછી, તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો (તહેસીલ), બ્લોક અને ગામની માહિતી ભરો.
હવે 'Get Report' પર ક્લિક કરો.
આ પછી, લાભાર્થીઓની સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર દેખાશે.





















