ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર! કમોસમી વરસાદની નુકસાની માટે આગામી ૪૮ કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય
unseasonal rain damage: સૌરાષ્ટ્રના ધારાસભ્યોની રજૂઆત રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી; સરકાર બે દિવસમાં આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની મૌખિક ખાતરી આપી.

Gujarat farmer relief: કમોસમી વરસાદ (માવઠા)નો માર સહન કરી રહેલા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આગામી ૪૮ કલાકની અંદર ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી છે. સરકાર ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે આર્થિક મદદ કરવા માટે તૈયાર હોવાનું જણાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રના ધારાસભ્યો દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીના મુદ્દે રાજ્ય સરકારમાં સઘન રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે, જેના પગલે બે દિવસમાં નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવાની ખાતરી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ધારાસભ્યો જેવા કે ભગવાનભાઈ બારડ, હીરાભાઈ સોલંકી અને રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓએ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં સચોટ રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળ સ્વરૂપે, સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સરકાર તરફથી વળતર પેકેજ જાહેર કરવાની મૌખિક ખાતરી મળી છે. ખેડૂત આલમ હવે સરકારના સત્તાવાર નિર્ણયની આશા સાથે રાહ જોઈ રહી છે.
અમરેલીથી દાહોદ સુધી ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાયો, લાખો હેક્ટરના પાકને વ્યાપક નુકસાન
રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)નો કહેર ચાલુ રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અમરેલી, મહીસાગર, વડોદરા (ડભોઈ), તાપી અને દાહોદ સહિતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો 'જાયે તો જાયે કહા' જેવી સ્થિતિમાં મુકાયા છે.
અમરેલીમાં કપાસ અને મગફળીને મોટો ફટકો: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં પડેલા ૭ ઈંચ જેટલા જળપ્રલયથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજુલાના ખેતરોમાં ૪ થી ૫ ફૂટના કપાસના છોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને કેટલાક ખેતરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ, મગફળીના તૈયાર પાથરા પણ નષ્ટ થઈ જતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરને નુકસાન:
- મહીસાગર: જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાનપુર તાલુકાના લાડણના મુવાડા ગામે ડાંગર, મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ બગડવાની સાથે ઘાસચારો પણ બચી શક્યો નથી.
- વડોદરા (ડભોઈ): ડભોઈ પંથકમાં સતત બે દિવસથી કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે.
- તાપી: વ્યારા તાલુકાના ચીખલદા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ડાંગર અને પુરિયા બહાર કાઢતા નજરે પડ્યા હતા. ભીના ડાંગરનો પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
- દાહોદ: દાહોદના જાલત ગામે ધોધમાર વરસાદના કારણે ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને ભારે નુકસાની થઈ છે, જેનાથી ખેડૂતોની હાલત દયનીય બની છે.





















