(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીના પ્રગતિશીલ ખેડૂત મધુભાઈ સાવલીયાએ તરબૂચની ખેતી કરી દોઢથી બે કરોડની કમાણી કરી
હાલ મધુભાઈના તરબૂચનું જમ્મુ-કાશ્મીર, દિલ્લી, ચંદીગઢ, લુધિયાણા સહિતના રાજ્યોમાં વેચાણ થઇ રહ્યું છે.
Amreli : અમરેલી જિલ્લાના છેવાડાના ગામ બોરડીના આઠ ચોપડી ભણેલા ખેડૂત મધુભાઈ સાવલીયાએ તરબૂચની ખેતી કરીને કરોડોનું ઉત્પાદન મેળવીને પોતાની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનાવી છે.
અમરેલી જિલ્લા ખેતી આધારિત જિલ્લો છે. આ જિલ્લામાં મુખ્ય વાવેતર કપાસ મગફળી જુવાર બાજરી ઘઉં ચણાનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે બોરડી ગામના ખેડૂત મધુભાઈએ 55 એકરમાં પ્રથમવાર તરબૂચની ખેતી કરી છે અને મોટા પ્રમાણમાં તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે. હાલ મધુભાઈના તરબૂચનું જમ્મુ કાશ્મીર દિલ્લી ચદીગઢ લુધિયાણા સહિતના રાજ્યોમાં વેચાણ થઇ રહ્યું છે.
એક એકરે ખેડૂત મધુભાઈ 35 થી 40 ટનનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તરબૂચની ખેતી હાઈ ટેકનોલોજીની ખેતી છે ખેડૂતે એક એકરે સવા લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેની સામે ત્રણથી સવા ત્રણ લાખનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. તેની સામે 500 ઉપરાંત મજુરોને રોજગારી પણ આપી રહ્યા છે. આઠ ચોપડી ભણેલા મધુભાઈ 55 એકરમાં તરબૂચની ખેતી કરીને દોઢથી બે કરોડ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
મધુભાઈ છેલ્લા 20 વર્ષથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે. અગાઉ પણ મોટા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કર્યું હતું અને અમરેલી જિલ્લાના છેવાડાના બોરડી ગામથી ટમેટા દુબઈ સુધી સાવલિયા બ્રાન્ડના નામે એક્સપોર્ટ કરીને વેપાર કરી જાણ્યા છે.
મધુભાઈની તરબૂચની ખેતી જોઈ-જાણીને અન્ય ખેડૂતોને નવી પ્રેરણા મળી છે. આ વિસ્તારમાં ખેડૂતો મુખ્ય કપાસ, બાજરી, ચણા સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. ત્યારે આ મધુભાઈની તરબૂચની ખેતી જોઈને અન્ય ખેડૂતોને તરબૂચની ખેતી પ્રેરણારૂપ બની છે.
આજે ખેડૂતોને પૂરતું ઉત્પાદન નહીં મળતા ખેડૂતનો દીકરો ખેતી છોડીને શહેરમાં રોજગારી શોધી રહ્યો છે, ત્યારે બોરડી ગામના મધુભાઈએ ખેતીમાં નવો ચીલો પાડ્યો છે. મધુભાઈ ખેડૂતે અન્ય ખેડૂતોને નવી ખેતી કરીને પ્રેરણા આપી છે.