Organic Farming: ગોંડલના આ શિક્ષક સ્કૂલમાં કરે છે ઓર્ગેનિક ખેતી, સ્કૂલમાં જ બનાવી છે પર્યાવરણ પ્રયોગશાળા
આ શિક્ષક છેલ્લા દસ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેન્તીભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે
Organic Farming: કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. નિર્માણ અને પ્રલય તેમની ગોદમાં રમે છે. આજે અમે તમને ગોંડલ તાલુકાના એવા શિક્ષકની વાત કરવાના છીએ જે શાળામાં ખેતી કરે છે. આ શિક્ષક સારા ભણતર સાથે સારું ભોજન પણ વિદ્યાર્થીઓને પૂરું પાડે છે. જાતે જ ઓર્ગેનિક શાકભાજી વાવે છે અને એ શુદ્ધ શાકભાજી 200 જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં આપે છે.
શાળાનું નામ સાંભળતા જ આપણને સૌને શાળામાં શિક્ષણનો અભ્યાસ કરાવતા જ શિક્ષકોની છબી યાદ આવે. પરંતુ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સાથે શાળામાં જ શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરાવતાં શિક્ષક અંગે સાંભળવા મળે તો નવાઈ લાગે. પરંતુ આ વાતને ગોંડલ તાલુકાના નવાગામ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક જેન્તીભાઈ ભાખોતરાએ સાર્થક કરી છે. આ શિક્ષક છેલ્લા દસ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેન્તીભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે, જેમાં તે શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે.
જેન્તીભાઈએ ગયા વર્ષે તેમણે શાળામા ઓર્ગેનિક શાકભાજી જેમકે લીલી હળદર, ટમેટી, ડુંગળી, લસણ વગેરેનું વાવેતર કર્યું હતું જ્યારે ચાલુ વર્ષે શકરિયા, ગાજરનું વાવેતર કર્યું છે. ખાસ વાત એ છે કે જે પણ શાકભાજી પાકે છે તે શાકભાજીનો ઉપયોગ શાળામાં ભણતા 200 જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.
નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક જેન્તીભાઈએ શાળામાં જ કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો નાખ્યા વગર જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડ્યું છે. તે માટે તે દરરોજ શાળાના અભ્યાસના સમય પછી બે કલાક સુધી શાકભાજીના વાવેતરની માવજત કરે છે. તેમને ટાઈમ સર પાણી, નિંદામણ વગેરે તે પોતેજ મહેનત કરીને કરીને આપે છે. તેમનો હેતુ એ છે કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં બહારના શાકભાજી કરતા અહીંયા જ ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી આપવામાં આવે તો તેમને સાત્વિક અને શુદ્ધ વિટામિન મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે.
બપોર પડતાની સાથે જ સ્કૂલના ગ્રાઉન્ડમાં બાળકો મધ્યાન ભોજન આરોગવા બેસી જાય છે દરરોજ આશરે 200 જેટલા બાળકો મધ્યાન ભોજન આરોગે છે. આ બાળકો ભોજન આરોગતા પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરી પ્રાર્થના કરે છે. આ ગામના સરપંચે કહ્યું કે તેમના ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે શાકભાજીની ખેતી કરે છે. જોકે આ કામ શિક્ષકો તેમના નોકરીનો સમય પૂર્ણ થયા બાદ કરે છે, જેથી બાળકોનો અભ્યાસ પણ ન બગડે.
Education Loan Information:
Calculate Education Loan EMI