Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત
વર્ષના અંતિમ દિવસે સુરતના હજીરાની AMNS કંપનીમાં આગની ઘટના બની છે. બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીના મોત નિપજ્યા છે.
સુરત: વર્ષના અંતિમ દિવસે સુરતના હજીરાની AMNS કંપનીમાં આગની ઘટના બની છે. બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીના મોત નિપજ્યા છે જ્યારે 6 કર્મચારીઓ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી.
આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આગ ટૂ યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લિફ્ટ સુધી પહોંચી હતી. આ આગના કારણે લિફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગ લાગવાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે.
કંપનીના સંબંધિત અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાને લઈ વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ પહોંચી છે.જે લોકોને ઈજા પહોંચી છે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આગની ઘટનામાં 4 લોકોના મોત
હજીરાની એમએનએસ ઇન્ડિયા કંપનીમાં સાંજના છ વાગ્યાના સમય દરમિયાન આગની ઘટના બની હતી. યુનિટ રિસ્ટાર્ટ કરતી વખતે આગની ઘટના બની હતી. ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટર કામદારો ઘટના બાદ ફસાયા હતા. જે ઘટનામાં ચારેય કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક કર્મચારી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં બનેલી ઘટનામાં ચાર કામદારોના મોત થયા છે. હજીરા પોલીસ સહિતની ટીમો દ્વારા ઘટના પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.