Holi 2023: હોળીના દિવસે જ રાજ્યમાં વરસાદ, જાણો ચોમાસાને લઈ શું કહે છે વરતારો
Holi 2023: હોળીના તહેવાર વખતે જ વરસાદ પડયો હોય તેવું વર્ષો બાદ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ બેથી ત્રણ દિવસ માવઠાની સંભાવના છે.
Holi 2023: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ફાગણી પૂનમ નિમિત્તે હોલિકા દહનની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી તો ક્યાંક હોલિકા દહન થઇ પણ ગયું હતું ત્યાં જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. હોળીના તહેવાર વખતે જ વરસાદ પડયો હોય તેવું વર્ષો બાદ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ બેથી ત્રણ દિવસ માવઠાની સંભાવના છે.
હોળીના દિવસે જ વરસાદ પડયો હોય તેવું 100 કરતાં વધુ વર્ષ બાદ પ્રથમ વાર બન્યું હોવાનું મનાય છે. હોળીના દિવસે જ વરસાદ પડતાં આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે. શાસ્ત્રવિદોના મતે એવો કઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કે હોળીના દિવસે વરસાદ આવે તો કંઈ મોટું ભયંકર અશુભ થાય. પરંતુ હોળી પ્રાગટયનો તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે. તેમાં કંઈક વિક્ષેપ પડયો હોય તેવું જરૂર માની શકાય. પરંતુ કંઈ મોટું અશુભ થાય તેવું માની કોઈ અંધશ્રદ્ધામાં માનવું નહીં.
કેવું રહેશે ચોમાસું
જ્યોતિષીના કેહવા મુજબ 'હોળીની જ્વાળા વાયવ્ય દિશાની હોવાથી આ વર્ષે વરસાદની સિઝન શરૃ થતા પહેલા જ વાવાઝોડાના, ચોમાસાની શરૂઆત વહેલી થઇ જવાના સંકેતો આપે છે. એકંદરે ચોમાસા દરમિયાન વરસાદ પુરો થશે. પરંતુ વચ્ચે વચ્ચે રોકાઈ જશે ક્યારેક ગાજવીજ સાથે ભારે વવરસાદ આવશે. નાના-મોટા સાયકલોનો તોફાનો આવી શકે છે. '
હોળીની જ્વાળાથી રાજકીય વરતારો પણ કરવામાં આવતો હોય છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે 'હોળીની જ્વાળા ઉત્તરથી ઈશાન તરફ ગઈ હતી અને ત્યારબાદ વંટોળને કારણે જ્વાળા ઊર્ધ્વની જોવા મળી હતી. જેને પરિણામે સમગ્ર વર્ષ સારું જશે અને દેશનાં કેટલાંક પ્રદેશોમાં રાજકીય વંટોળ સર્જાવાની શક્યતા પણ જણાય છે.'
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.