ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Gujarat Class 3 exam: સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય: હવે 210 ગુણમાંથી બનશે મેરીટ, નેગેટિવ માર્કિંગ અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ યથાવત.

Gujarat Class 3 exam: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક મોટા સમાચાર છે. ગુજરાત સરકાર (Gujarat Government) ના સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી પરીક્ષાઓના ગુણભારમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે પ્રશ્નપત્રના ભાગ A નું મહત્વ વધારી દેવામાં આવ્યું છે, જ્યારે ભાગ B ના ગુણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ઉમેદવારોએ 210 માર્ક્સ (Total Marks) ની ગણતરી મુજબ તૈયારી કરવાની રહેશે.
લાંબા સમયથી વર્ગ 3 ભરતી (Class 3 Recruitment) ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી, જેના પર હવે સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. 16 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ, હવે પછી લેવાનાર તમામ ગૌણ સેવા અને અન્ય વર્ગ 3 ની પરીક્ષાઓ નવા માળખા મુજબ લેવાશે. આ ફેરફારને કારણે લાખો વિદ્યાર્થીઓએ પોતાની અભ્યાસની રણનીતિ બદલવી પડશે.
પરીક્ષાના ગુણભારમાં મોટો ઉલટફેલ નવી પરીક્ષા પદ્ધતિ (Exam Pattern) મુજબ પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, પરંતુ તેમના ગુણભાર (Weightage) બદલાઈ ગયા છે:
ભાગ A (Part A): અગાઉ આ વિભાગ 60 માર્ક્સનો હતો, જેમાં હવે વધારો કરીને 90 માર્ક્સ કરવામાં આવ્યા છે. આ વિભાગ સામાન્ય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા પર આધારિત હોય છે.
ભાગ B (Part B): જે તે વિષયને લગતા આ ટેકનિકલ વિભાગના માર્ક્સ અગાઉ 150 હતા, જે ઘટાડીને હવે 120 માર્ક્સ કરી દેવામાં આવ્યા છે. આમ, હવે કુલ પરીક્ષા 210 ગુણ ની રહેશે. સરકારનો હેતુ પરીક્ષાને વધુ તાર્કિક અને ઓછી કંટાળાજનક બનાવવાનો છે, જેથી ઉમેદવારના જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે.
મેરીટ લિસ્ટ અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર કુલ ગુણ લાવવા પૂરતા નથી. ઉમેદવારે ભાગ A અને ભાગ B બંનેમાં અલગ અલગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ (Qualifying Standard) પાસ કરવું પડશે. એટલે કે બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત છે. આખરી મેરીટ લિસ્ટ (Merit List) બંને ભાગમાં મેળવેલા કુલ ગુણના આધારે તૈયાર થશે. જે ઉમેદવારો મેરીટમાં આવશે, તેમાંથી કુલ જગ્યાના આશરે 2 ગણા (2 Times) ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે બોલાવવામાં આવશે.
નેગેટિવ માર્કિંગ સિસ્ટમ (Negative Marking) નવા માળખામાં પણ નેગેટિવ માર્કિંગની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.
MCQ પદ્ધતિ માં જો ઉમેદવાર ખોટો જવાબ આપે અથવા એક કરતા વધુ વિકલ્પ પસંદ કરે, તો 0.25 માર્ક્સ કાપવામાં આવશે.
જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન માંગતો હોય, તો તેણે 'Not Attempted' (વિકલ્પ E) પસંદ કરવાનો રહેશે. આવા સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણાશે નહીં. પરંતુ જો પ્રશ્ન ખાલી છોડી દેશો, તો 0.25 માર્ક્સ કપાશે.
પ્રતિક્ષા યાદી (Waiting List) માટે પણ સરકારના પ્રવર્તમાન અનામત અને બિન અનામત કેટેગરીના નિયમો લાગુ પડશે. આ નવા ફેરફારો આગામી તમામ ભરતીઓમાં લાગુ થશે, જેથી ઉમેદવારોએ હવેથી જ નવા માળખા મુજબ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.





















