Rishi Panchmi 2021: આજે છે ઋષિ પંચમી, પિતૃઓના આશીર્વાદ મેળવવા કરો આ ઉપાય
Rishi Panchmi: આ દિવસે તમામ સ્ત્રી પુરુષો જાણતા-અજાણતાં થયેલી ભૂલો માટે સપ્ત ઋષિઓનું વ્રત કરીને આશીર્વાદ મેળવી શકે છે. આ દિવસે પિતૃઓના નામે દાન કરવાથી અટકેલા કામમાં સફળતા મળતી હોવાનું કહેવાય છે.
ભાદરવા મહિનાની સુદ પાંચમને ઋષિ પંચમી કહેવાય છે. ઋષિ પંચમી પર અજાણતાં થયેલી ભૂલોની ક્ષમા માંગીને વ્રત કરવાનું હોય છે. આ દિવસે તમામ સ્ત્રી પુરુષો જાણતા-અજાણતાં થયેલી ભૂલો માટે સપ્ત ઋષિઓ માટે વ્રત કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે. આ દિવસે પિતૃઓના નામે દાન કરવાથી તમામ અટકેલા કામમાં સફળતા મળતી હોવાનું કહેવાય છે.
કેવી રીતે કરશો ઋષિ પંચમીનું વ્રત
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ આછા પીળા રંગના વસ્ત્ર ધારણ કરો. પોતાના ઘરના મંદિરવાળા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો અને ત્યાં સુગંધીની વ્યવસ્થા કરો. સપ્ત ઋષિઓના ફોટા સામે જળ ભરેલો કળશ રાખો. સપ્ત ઋષિને ધૂપ-દીપક આપી ફૂલ-હાર અને મીઠાઈ અર્પિત કરો. જે બાદ સપ્ત ઋષિ સમક્ષ પોતાની ભૂલોની માફી માંગો અને બીજાને મદદ કરવાનો સંકલ્પ લો. તમામ લોકોને વ્રત કથા સંભળાવ્યા બાદ આરતી કરો અને પ્રસાદ વિતરણ કરો. વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો.
આ ઉપાયથી દૂર થશે અડચણો
ઋષિ પંચમીના દિવસે સવારે 11 ઈલાયચી લઇને ભગવાન ગણપતિ સમક્ષ એક પ્લેટમાં રાખો. ગણપતિ સામે ગાયના ઘીનો દિવો કરીને પીળા રંગના ફૂલ રાખો. લાલ ચંદન કે રૂદ્રાક્ષની માળાથી ॐ विद्या बुद्धि प्रदाये नमः મંત્રનો 108 વખત જાપ કરો. ગણપતિ અને સપ્ત ઋષિ સામે ભૂલ બદલ માફી માંગો અને વિદ્યા તથા બુદ્ધીના આશીર્વાદ માંગો. આમ કરવાથી વિદ્યામાંથી આવતી રૂકાવટ ખતમ થશે.
પિતૃઓના આશીર્વાદથી વધશે ધન
ઋષિ પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ઘરના રસોઈઘરને સાફ કરીને શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો. ઘરની દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા કે તસવીર સમક્ષ ઘીનો દિવો કરો. પાંચ અલગ અલગ પાનના પત્તા પર થોડી ખીર રાખીને તેના પર એક ઈલાયચી રાખો. ॐ श्री पितृ देवाय नमः મંત્રનો 27 વખત જાપ કરો અને આ પાંચ પાનના પત્તા પીપળાના વૃક્ષના થડમાં અરપ્ણ કરો. પિતૃના નામથી જરૂરિયાતમંદ લોકોને ભોજન અવશ્ય કરાવો.