Navratri 2022: નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવાથી થાય છે કૃપા, દરરોજ અલગ અલગ સ્વરૂપોની થાય છે આરાધના
વેદ અને પુરાણોમાં આદિશક્તિની ઉપાસનાના ઘણા વર્ણનો છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે
![Navratri 2022: નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવાથી થાય છે કૃપા, દરરોજ અલગ અલગ સ્વરૂપોની થાય છે આરાધના Shardiya Navratri 2022 : Devotees worship the Goddess Durga for nine days Navratri 2022: નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવાથી થાય છે કૃપા, દરરોજ અલગ અલગ સ્વરૂપોની થાય છે આરાધના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/25f5a81137ab20b5033e2af63076fe31_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shardiya Navratri 2022 Worship: વેદ અને પુરાણોમાં આદિશક્તિની ઉપાસનાના ઘણા વર્ણનો છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે. શક્તિની ઉપાસનાના આ પર્વમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે. મા દુર્ગા તેમના ભક્તોને જીવનમાં દરેક મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે. આ લેખમાં મા દુર્ગાના આ નવ સ્વરૂપો વિશે જાણવાનો પ્રયાસ કરીએ.
શૈલપુત્રી
મા દુર્ગાના પ્રથમ સ્વરૂપને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમની પૂજા સાથે શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે. પર્વત રાજા હિમાલયને ત્યાં જન્મના કારણે તેઓનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું. તેમનું વાહન વૃષભ છે.
બ્રહ્મચારિણી
માતા દુર્ગાની નવ શક્તિઓમાં બીજી શક્તિનું નામ બ્રહ્મચારિણી છે. અહીં બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અથવા તપ. એટલે કે જે તપસ્યા કરે છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડલ છે.
ચંદ્રઘંટા
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ શાંતિપૂર્ણ અને પરોપકારી છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે તેથી જ તેઓને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાના ઘંટના ભયંકર અવાજથી દાનવો અને દૈત્ય ગભરાઈ ગયા હતા.
કુષ્માંડા
મા દુર્ગાના ચોથા સ્વરૂપને કુષ્માંડા કહેવામાં આવે છે.પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે.
સ્કંદમાતા
માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા છે. દુર્ગાપૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત-કુમાર, સ્કંદ કુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા પોતાના બે હાથમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે. માતાનું વાહન સિંહ છે. તેમના ખોળામાં બાળક સ્કંદ બેઠેલા જોવા મળે છે.
કાત્યાયની
આ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ છે. મહિષાસુરને મારવા માટે માતા કાત્યાયનીનો જન્મ મહર્ષિ કાત્યાયને ત્યાં થયો હતો. તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે.
કાલરાત્રી
સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાનો નિયમ છે. માતાના આ રૂપને ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. તેમનો રંગ કાળો છે અને આ ત્રણ નેત્રધારી છે.. માતા કાળરાત્રીના ગળામાં વિદ્યુતની અદ્દભુત માળા છે. તેમના હાથમાં ખડ્ગ અને કાંટો છે. તેમનું વાહન ગદર્ભ છે. માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. માતાને લાલ ફૂલ અર્પણ કરો, આ સાથે જ ગોળનો ભોગ ચઢાઓ. માતાના મંત્રોનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો.
મહાગૌરી
આઠમી શક્તિને મહાગૌરી કહેવામાં આવે છે. માતાનો રંગ સફેદ અને વાહન બળદ છે. તેમના કપડાં અને ઝવેરાત પણ સફેદ છે. માતાજીની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે તેમજ સાંજના સમયે આરતી કરવામાં આવતી હોય છે. તેઓ ચતુર્ભુજ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ, નીચેના ડાબા હાથમા વરમુદ્રા ઉપરના જમણા હાથમાં અભયમુદ્રા નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. તેઓએ પાર્વતીના રૂપમાં શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી.
સિદ્ધિદાત્રી
નવરાત્રિના નવમા દિવસે માતાની સિદ્ધિદાત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે અને તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. તે કમળ ફૂલ ઉપર બિરાજમાન છે. તેમના જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં ચક્ર છે. ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ અને નીચેના હાથમાં શંખ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)