Vallabhacharya Jayanti 2022: ભાગ્ય વલ્લભ ભૂતલ આયે, જાણો અમદાવાદના નરોડામાં આવેલી શ્રીમહાપ્રભુજીની બેઠકનું શું છે મહત્વ
Shree Vallabhacharya Jayanti: મહાપ્રભુજીની ભારતભરમાં 84 બેઠક છે, જેમાંથી નરોડા બેઠકનો ક્રમ 69મો છે. આ બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી ભૂતલ પરિક્રમા દરમિયાન ત્રણ વખત પધાર્યા હતા
Shree Vallabhacharya Jayanti 2022: તા. 22 એપ્રિલ 2022ના રોજ ચૈત્ર વદ એકાદશીની તિથિ છે. આ દિવસ પુષ્ટિમાર્ગીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ તિથિએ પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું. વલ્લભાચાર્ય જયંતીના દિવસે દેશભરમાં આવેલી 84 બેઠકો સહિત નંદાલયોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. શ્રીવલ્લભાચાર્યજીની એક બેઠક અમદાવાદ (રાજનગર)માં પણ આવી છે. અહીં પલના, નંદ મહોત્સવ, તિલક આરતી સાથે કીર્તન થશે.
નરોડા બેઠકજીનું શું છે માહાત્મ્ય
અમદાવાદની નરોડા બેઠકના અધિકારીજી જયેશભાઈ રાયચુરાએ જણાવ્યું, શ્રી મહાપ્રભુજીની ભારતભરમાં 84 બેઠક છે, જેમાંથી નરોડા બેઠકનો ક્રમ 69મો છે. આ બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી ભૂતલ પરિક્રમા દરમિયાન ત્રણ વખત પધાર્યા હતા અને ત્રણેય વખત વૈષ્ણવોને પુષ્ટિમાર્ગનું જ્ઞાન આપ્યું હતું. મુખ્ય વૈષ્ણવ ગોપાલદાસ ક્ષત્રિયને શરણે લેવા શ્રીવલ્લભ નરોડા પધાર્યા, અહીં પધારતાં જ તેમણે ગોપાલદાસને તેમના નામથી બોલાવ્યા અને તેઓ પણ જાણી ગયા કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. બંનેની મુલાકાત થઈ અને ગોપાલદાસ ક્ષત્રિય તેમના શરણે આવ્યા. ખાસ નિકુંજના જીવ હતા એટલે તેમને શરણે લેવા અહીં પધાર્યા. આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે જ્યારે ગોપાલદાસ ક્ષત્રિય ગોપાલપુર-જતીપુરા પધાર્યા ત્યારે તેમનો કંઠ સુકાતો હતો ત્યારે સ્વયં શ્રીનાથજીએ પોતાના સોનાના ઝારીજી લઈને જલ લેવાડાવ્યું હતું. આવા ભગવદીય વૈષ્ણવને શરણે લેવા શ્રીવલ્લભ નરોડા પધાર્યા હતા. વર્ષો પછી શ્રીવલ્લભલાલજી મહારાજશ્રીને સ્વપ્નમાં એવું જણાવ્યું કે, હું અત્રે બિરાજું છું. અહીં ખોદકામ કરો અને મારું અહીં પ્રાગટ્ય કરો. તેમની કૃપાથી અહીં નરોડા બેઠકજીનું પ્રાગટ્ય થયું. હાલ ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી પર આ બેઠક બિરાજમાન છે.
શ્રી મહાપ્રભુજીની વધાઈ
લીલા હોતી જૂનિ નાતર II (2)
જોપે શ્રી વલ્લભપ્રભુ પ્રગટ ન હોતે,
વસુંધા રહતી સૂની II1II
દિનદિન અધિક અધિક છબિ ઉપજત,
જ્યોં કંચન નગ ચૂની II
સગુનદાસ યહ ઘરકો સેવક,
જશ ગાવે જાકો મુની II 2 II
શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી, શ્રીવિઠ્ઠલનાથજીએ પ્રસાર કર્યો
પુષ્ટિમાર્ગ ભક્તિનો એક સંપ્રદાય છે. જેની સ્થાપના મહાપ્રભુ વલ્લભાચાર્યએ કરી હોવાથી તેને વલ્લભ સંપ્રદાય પણ કહે છે. બ્રહ્મવાદ, આત્મનિવેદન તથા ભગવત્સેવા પુષ્ટિમાર્ગના ત્રણ મુખ્ય અંગ છે. શ્રીવલ્લભાચાર્યજીને બે પુત્રો હતા. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી ગોપીનાથજી 55 વર્ષ ભૂતલ પર બિરાજ્યા હતા. જે બાદ વલ્લભસંપ્રદાયનું સુકાન નાના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ એટલી સુંદર રીતે સંભાળ્યું કે આજે પુષ્ટિમાર્ગ જે સ્વરૂપમાં છે તે શ્રીવિઠ્ઠલનાથજીના કારણે જ છે. શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી તો શ્રીવિઠ્ઠલનાથજીએ તેનો પ્રસાર કર્યો હતો.
પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરીને પુષ્ટિ જીવે શ્રીવલ્લભ અને શ્રીજીનાં સ્વરૂપને સમજવાનું છે. સૌ પહેલાં શ્રીમહાપ્રભુજીના સ્વરૂપનો વિચાર કરીએ અને આપશ્રીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં કેવી રીતે થયું તે જાણીએ. એકવાર શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને ગાઢ માન થયું. બંને પોત પોતાની નિકુંજમાં જઈને બિરાજ્યા. બંનેના હૃદયમાં વિરહનો અગ્નિ પ્રજવલિત હતો. અંતઃકરણથી પરસ્પરને મળવા તેઓ ખૂબ આતુર હતા. શ્રીઠાકોરજીના હૃદયમાં શ્રીસ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજતું હતું અને શ્રીસ્વામિનીજીના હૃદયમાં શ્રીઠાકોરજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજતું હતું.
શ્રીમહાપ્રભુજી “નિરોધ લક્ષણ” ગ્રંથમાં સમજાવે છે કે જ્યારે પરસ્પરમાં પુર્ણ નિરોધ થાય અને તેને લઈને વિરહ થાય ત્યારે હૃદયમાં બિરાજનું ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થાય છે. તે મુજબ બંનેના હૃદયમાં બિરાજતાં ભાવાત્મક સ્વરૂપો બહાર પ્રગટ થયાં અને ગાઢ આલિંગન આપતાં એક સ્વરૂપ બની ગયા. આમ જે ત્રીજુ સ્વરૂપ પ્રગટ થયું તે શ્રીવલ્લભ. શ્રીમહાપ્રભુજીમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી એમ બંનેના સ્વરૂપ સૌંદર્યનું મિશ્રણ હોવાથી અદભૂત લાગે છે. શ્રીમહાપ્રભુજીએ બંને સ્વરૂપોનું માન છોડાવી મિલન કરાવ્યું. તેથી શ્રીમહાપ્રભુજી નિત્યલીલામાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી અને સૌ ભક્તોના અતિ પ્રિય થયા તેથી તેઓ શ્રીવલ્લભ કહેવાયા. વલ્લભ એટલે વહાલા. આમ શ્રીવલ્લભમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપો બિરાજે છે. તેથી આપ ‘વસ્તુતઃ કૃષ્ણ એવ’ છે. શ્રીજી અને શ્રીવલ્લભ જુદા નથી, બંનેનો અભેદ છે.
માન મિલાપ પછી બંને યુગલ સ્વરૂપો વિહાર કરતાં હતાં ત્યારે બંનેને પોતાના જીવોની યાદ તાજી થઈ કે જેમણે લીલામાં નાના-મોટા અપરાધ કર્યા હોવાથી તેઓ પૃથ્વી ઉપર પડ્યા હતા. શ્રીસ્વામિનીજીએ શ્રીઠાકોરજીને વિનંતી કરી કે પૃથ્વી ઉપર ગયેલા આપણા એ જીવોને ફરીથી ગોલોકની પ્રાપ્તિ કરાવો. અને આ કાર્ય માટે શ્રીવલ્લભને આપે આજ્ઞા કરી ભૂતલ પર બિરાજવા કહ્યું, શ્રીવલ્લભે શ્રીઠાકોરજીને કહ્યું કે આપે પણ સાથે સાથે પૃથ્વી પર પ્રગટ થવું પડશે. શ્રીઠાકોરજીએ શ્રીવલ્લભની વિનંતી સ્વીકારી.
એના પરિણામ સ્વરૂપે સં. 1535ના ચૈત્રવદી એકાદશીએ મધ્યાન્હે ચંપારણ્યમાં શ્રીવલ્લભ પ્રગટ થયા. એ જ દિવસે એ જ સમયે વ્રજમાં શ્રીગિરિરાજજી ઉપર શ્રીકૃષ્ણરૂપ શ્રીનાથજી પ્રગટ થયા. શ્રીવલ્લભનું એક સ્વરૂપ શ્રીઠાકોરજીનું છે તો બીજું સ્વરૂપ શ્રીસ્વામિનીજીનું છે. પણ પૃથ્વી પર શ્રીવલ્લભ જીવોના ઉદ્ધાર કરવા ગુરૂસ્વરૂપે પ્રગટ થયા છે. આપશ્રી મહાપ્રભુજી મુખ્યત્વે ત્રણ સ્વરૂપે નીજ ભક્તોને અનુભવ કરાવે છે. (1) શ્રીઠાકોરજી સ્વરૂપ (2) શ્રીસ્વામિનીજી સ્વરૂપ (3) શ્રીગુરુ સ્વરૂપ – શ્રીઆચાર્ય સ્વરૂપ. શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જ્યાં સુધી શ્રીમહાપ્રભુજીમાં આપણો દ્રઢ આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી પુષ્ટિમાર્ગનું પરમ ફળ આપણને મળતું નથી. શ્રીમહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય થયો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે એમણે કરેલી આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ.