Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે જેને આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે મનપા આયોજિત 15મા કાંકરિયા ફેસ્ટિવલનું વિધિવત રીતે ખુલ્લો મુક્યો છે. 7 દિવસ ચાલનારા કાર્નિવલમાં 22 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. આવનાર લોકો માટે 5 હજાર કરોડનો વીમો લેવાયો છે. કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડી.જે. કિયારા, ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે. સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. મનપા દ્વારા આ વર્ષે ખાસ કરીને જે પણ લોકોને કાંકરિયા કાર્નિવલમાં જવું હોય અને જે ગેટ ઉપર નાગરિકો જવા માગતા હોય એના માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ પણ છે. જેથી આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે આખો દેશ આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઓળખે છે. વધુમાં તેમણે કહ્યું ગુજરાતના શહેરોમાં હવે મનોરંજન અને રિક્રિએશનની વ્યવસ્થાઓ ઉભી થઈ છે.