મંદિરો- પરેના પરિમાણના દ્વાર, મંદિરો અને સૂક્ષ્મ જગત વિશે આધ્યાત્મિક ગુરૂનું દિવ્ય ચિંતન, જાણો સદગુરૂએ શું કહ્યું
મનુષ્યના બોધની પ્રકૃતિ જ એવી છે કે, અત્યારે, મનુષ્ય જે વસ્તુમાં સંલગ્ન હશે, તેના માટે તેના અનુભવમાં તે જ એકમાત્ર સત્ય હશે. અત્યારે, મોટાભાગના લોકો પાંચ ઈન્દ્રિયો સાથે સંલગ્ન છે અને તે એકમાત્ર સત્ય હોય તેવું લાગે છે.
સદગુરૂ: મનુષ્યના બોધની પ્રકૃતિ જ એવી છે કે, અત્યારે, મનુષ્ય જે વસ્તુમાં સંલગ્ન હશે, તેના માટે તેના અનુભવમાં તે જ એકમાત્ર સત્ય હશે. અત્યારે, મોટાભાગના લોકો પાંચ ઈન્દ્રિયો સાથે સંલગ્ન છે અને તે એકમાત્ર સત્ય હોય તેવું લાગે છે, બીજું કંઇ જ નહિ. ઈન્દ્રિયો ખાલી જે ભૌતિક છે તેનો જ બોધ મેળવી શકે છે, અને તમારો બોધ પાંચ ઈન્દ્રિયો સુધી સીમિત હોવાથી, તમે જેને જીવન તરીકે જાણો છો તે બધું ખાલી ભૌતિક જ છે: તમારું શરીર, તમારું મન, તમારી ભાવનાઓ અને તમારી જીવન ઊર્જાઓ ભૌતિક છે. જો તમે ભૌતિક અસ્તિત્વને એક કાપડ તરીકે જુઓ, કપડાના એક ટુકડા તરીકે . . . ધારો કે, તમે ભૌતિકતાના એક કપડાં પર જીવી રહ્યા છો. તમે આ કપડાં પર ચાલી રહ્યા છો, અને તમે જેના પર ચાલી રહ્યા છો માત્ર તે જ વાસ્તવિક છે. પરંતુ જ્યારે તમે ઉપર જુઓ, તો ત્યાં એક વિશાળ ખાલીપણું છે, પરંતુ ત્યાં પણ, તમે ખાલી ભૌતિકને જ ઓળખો છો; તમે કોઈ તારા કે સૂર્ય કે ચંદ્રને જુઓ છો - તે બધું જ ભૌતિક છે. તમે જે ભૌતિક નથી તેનો બોધ નથી મેળવતા.
તમે જેને એક મંદિર કહો છો તે કપડામાં એક કાણું પાડવા જેવું છે, જેથી એક એવી જગ્યા બને જ્યાં ભૌતિકતા પાતળી થાય અને તમે પરેનું કંઇક જોઈ શકો. ભૌતિકની અભિવ્યક્તિને ઘટાડવાનું આ વિજ્ઞાન પ્રાણ પ્રતિષ્ઠાનું વિજ્ઞાન છે, જેથી જો તમે ઈચ્છુક હોવ તો ભૌતિકથી પરેનું પરિમાણ તમારા માટે દ્રશ્યમાન થાય. આ દ્રષ્ટાંતને આગળ વધારીએ તો, મંદિર જાણે ભૌતિકતાના કપડાંમાંનું એક કાણું છે જેમાં તમે સરળતાથી પડી જઈને પરે જઈ શકો.
આજે, મંદિરોને કદાચ શોપિંગ કોમ્પ્લેક્સની જેમ બનાવવામાં આવે છે - કોન્ક્રીટ, સ્ટીલ અને તે બધું અને કદાચ તે જ હેતુ સાથે બનાવવામાં આવે છે કેમ કે બધું જ એક ધંધો બની ગયું છે. જ્યારે હું મંદિરની વાત કરું ત્યારે હું પ્રાચીન મંદિરો જે રીતે બનાવવામાં આવ્યા હતા તેની વાત કરું છું. આ દેશમાં, પ્રાચીન સમયમાં, મંદિર ખાલી શિવજી માટે જ બનાવવામાં આવ્યા હતા, બીજા કોઈ માટે નહિ. પછીથી જ બીજા મંદિરો બનવા લાગ્યા કેમ કે લોકો તુરંત મળતી સુખાકારી પર ધ્યાન આપવા લાગ્યા. આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને, તેમણે તેઓ પોતાના ફાયદા માટે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકે તેવા વિવિધ સ્વરૂપો બનાવવાનું શરુ કર્યું - સ્વાસ્થ્ય માટે, સંપત્તિ માટે, સુખાકારી માટે અને બીજી ઘણી બધી રીતે. તેઓએ વિવિધ પ્રકારની ઊર્જાઓ અને દેવી-દેવતાનું નિર્માણ કર્યું. જો તમારે પૈસા જોતા હોય તો તમે એક પ્રકારનું સ્વરૂપ બનાવો જે તે પ્રકારની વસ્તુમાં મદદ કરશે અથવા જો તમે ડરથી ખૂબ જ પીડિત હોવ તો તમે બીજા પ્રકારનું સ્વરૂપ બનાવો. આવા મંદિરો છેલ્લા 1100 કે 1200 વર્ષમાં બન્યા, પણ તે પહેલા, દેશમાં શિવ મંદિરો સિવાય કોઈ મંદિરો ન હતા.
“શિવ” નો શાબ્દિક અર્થ થાય છે “તે જે નથી”. તેથી મંદિરો “તે જે નથી”, તેના માટે બનાવવામાં આવેલા. “તે જે છે” તે ભૌતિક અભિવ્યક્તિ છે; “તે જે નથી” તે એ છે જે ભૌતિકથી પરે છે. તો મંદિર એક કાણું છે જેમાંથી તમે તે સ્થાનમાં પ્રવેશો છો જે નથી. દેશમાં હજારો શિવ મંદિરો છે અને તેમાંના મોટાભાગનામાં કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. ત્યાં ખાલી તેનું પ્રતિનિધિત્વ કરતું એક સ્વરૂપ હોય છે અને સામાન્ય રીતે તે એક લિંગ હોય છે. “લિંગ” શબ્દનો અર્થ થાય છે “મુખ્ય સ્વરૂપ”. આપણે તેને “મુખ્ય સ્વરૂપ” કહીએ છીએ કેમ કે જયારે અપ્રગટે પ્રગટ થવાનું શરુ કર્યું અથવા બીજા શબ્દોમાં સર્જનની શરૂઆત થઈ ત્યારે તેણે જે પહેલું સ્વરૂપ લીધું હતું તે એક લંબગોળ સ્વરૂપ હતું. એક પરફેક્ટ લંબગોળને આપણે લિંગ કહીએ છીએ. આજે આધુનિક કોસ્મોલોજિસ્ટ અનેક રીતે આ વસ્તુને ઓળખી રહ્યા છે. એક વસ્તુ એ છે કે દરેક ગેલેક્સીના ગર્ભમાં હંમેશા એક લંબગોળ હોય છે. તો તે હંમેશા એક લંબગોળ અથવા એક લિંગ તરીકે શરુ થયું અને પછી ઘણી વસ્તુઓ બન્યું. અને આપણે આપણા અનુભવથી જાણીએ છીએ કે જો તમે ધ્યાનની ગહન અવસ્થાઓમાં જાઓ તો, પૂરેપૂરા વિસર્જન પહેલા, ફરીથી ઊર્જાઓ એક લંબગોળ અથવા લિંગનું સ્વરૂપ લે છે.
તો પહેલું સ્વરૂપ લિંગ છે અને અંતિમ સ્વરૂપ લિંગ છે; તેની વચ્ચેનું સ્થાન એ સર્જન છે, જે પરે છે તે શિવ છે. તેથી લિંગનું સ્વરૂપ સર્જનના કપડામાંનું એક કાણું છે. ભૌતિક અસ્તિત્વ અહીં છે; તેનો પાછળનો દરવાજો લિંગ છે, આગળનો દરવાજો લિંગ છે. તેથી હું એક મંદિરને એક કાણું કહું છે જેમાં પડીને તમે પરે જઈ શકો છે; મંદિરનું મૂળ તેમાં છે.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે