GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
ટાટા ટિયાગોથી લઈને પ્રખ્યાત SUV ટાટા સફારી સુધીના તમામ કારની કિંમતમાં ફેરફાર કર્યો છે

Tata Cars Price Post GST Cut : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST રિફોર્મ્સ) સ્લેબમાં મોટા ફેરફારો પછી દેશની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે સત્તાવાર રીતે તેની કારની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે તેની સૌથી સસ્તી કાર ટાટા ટિયાગોથી લઈને પ્રખ્યાત SUV ટાટા સફારી સુધીના તમામ કારની કિંમતમાં ફેરફાર કર્યો છે. કારની કિંમતમાં આ ઘટાડો 22 સપ્ટેમ્બર 2025થી દેશભરના ડીલરશીપ પર લાગુ થશે. મનીકંન્ટ્રોલના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "22 સપ્ટેમ્બર 2025થી પેસેન્જર વાહનો પર GSTમાં ઘટાડો એક પ્રગતિશીલ અને સમયસર નિર્ણય છે. જે દેશભરના લાખો લોકો માટે વ્યક્તિગત ગતિશીલતા વધુ સુલભ બનાવશે." તેમણે કહ્યું હતું કે "કંપનીના કસ્ટમર ફર્સ્ટ સિદ્ધાંત અનુસાર ટાટા મોટર્સ આ GST સુધારાની સંપૂર્ણ ભાવના અને હેતુનું સન્માન કરે છે. કંપની તેના ગ્રાહકોને GST ઘટાડાનો સંપૂર્ણ લાભ આપશે." શૈલેષ ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે "આનાથી ટાટા મોટર્સની લોકપ્રિય કાર અને એસયુવી શ્રેણી વધુ સસ્તી બનશે, જે પહેલી વાર વાહન ખરીદનારાઓને પ્રોત્સાહિત કરશે અને દેશભરમાં નવી પેઢીની ગતિશીલતા તરફના પરિવર્તનને વેગ આપશે."
કઈ કાર પર કિંમતમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો?
ટાટા મોડેલ્સની કિંમતમાં ઘટાડો (રૂપિયામાં)
ટિયાગો- 75,000
ટિગોર- 80,000
અલ્ટ્રોઝ- 1,10,000
પંચ- 85,000
નેક્સન- 1,55,000
કર્વ- 65,000
હેરિયર- 1,40,000
સફારી- 1,45,000
નોંધ: કારની વાસ્તવિક કિંમત માટે તમારી નજીકની ડીલરશીપનો સંપર્ક કરો.
તહેવારોની સીઝનમાં લાભો ઉપલબ્ધ થશે
ટાટા મોટર્સની આ જાહેરાત ભારતમાં તહેવારોની સીઝન પહેલા જ આવી છે. જેને પરંપરાગત રીતે વાહન વેચાણનો ટોચનો સમય માનવામાં આવે છે. કંપનીએ ગ્રાહકોને સંભવિત વધેલી માંગને ધ્યાનમાં રાખીને સમય પહેલા બુકિંગ કરવાની સલાહ પણ આપી છે. GST ઘટાડો ટાટા મોટર્સની સમગ્ર પેસેન્જર વ્હીકલ કેટેગરી પર લાગુ થશે.
આમાં, ગ્રાહકોને એન્ટ્રી-લેવલ હેચબેક ટિયાગો પર મહત્તમ 75,000 સુધીની બચત મળશે. તેવી જ રીતે ટિગોર પર મહત્તમ 80,000 રૂપિયા અને લોકપ્રિય કોમ્પેક્ટ SUV પંચ પર 85,000 રૂપિયા સુધીની બચત મળશે. નેક્સનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે જેની કિંમતોમાં 1.55 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.
તાજેતરની GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1200 cc સુધીના પેટ્રોલ એન્જિન, 1500 cc સુધીના ડીઝલ એન્જિન અને 4 મીટરથી ઓછી લંબાઈની કાર સહિત નાની કાર પર હવે ફક્ત 18 ટકા GST વસૂલવામાં આવશે, જે પહેલા 28 ટકા હતો. આના કારણે આ શ્રેણીમાં આવતી કારની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.





















