SURAT : ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
ગુજરાત પોલીસ દ્વારા પાંડી બંધુનો ઓડિશામાં આલીશાન બંગલો અનેએકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરવામાં આવ્યાં છે.
SURAT : ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગાંજાના આરોપી પાંડી બંધુનો ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાયાં છે.સુરત પોલીસ દ્વારા આરોપીઓને ફરતી બાજુથી ઘેરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાંડી બંધુઓના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરવામાં આવ્યાં છે.
ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સમાક્રિયા પર ગુજરાત પોલીસે સકંજો કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંડી સામે કાર્યવાહી કરીને ગંજામમાં આવેલો તેનો આલીશાન બંગલો સીઝ કરી દીધો છે. અનિલ પાંડીનો ભાઇ સુનીલ હાલ સાબરમતી જેલમાં બંધ છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે STF સાથે મળીને કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડિશામાં પાંડી ઉપરાંત અન્ય એક ડ્રગ-સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.અનિલ પાંડી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના 11 કેસમાં વોન્ટેડ છે. એમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે NDPS, ગ્રામ્ય રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ છે. અનિલ પાંડી પર 3.73 કરોડની કિંમતના 2,127.56 કિગ્રા (21 ટન) વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે.
પાંડી બંધુ અને ઓડિશામાં સીઝ કરાયેલો તેમનો બંગલો
સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે અનિલ પાંડી બંને રાજ્યમાં ડ્રગ્સની દાણચોરી, ખાસ કરીને ગાંજાના અનેક આરોપોમાં વોન્ટેડ છે. પોલીસે ઓડિશામાં અધિકારીઓ સાથે વાત કરી હતી. જેમણે અમને NDPS એક્ટ હેઠળ તેમની મિલકતો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. શહેરમાં નો-ડ્રગ્સ હેઠળ કામગીરી ચાલી છે. યુવાધનને નશાના કારોબારમાં જતો અટકાવવા માટે કામગીરી ચાલી છે, જે યથાવત્ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી ગુનેગારોને આર્થિક રીતે ભાંગી નાખવામાં આવશે.
સુનીલ અને અનિલ પાંડી સુરતમાં ચાર કેસ અને આખા ગુજરાતમાં 11 કેસમાં વેન્ટેડ હતા. સુનીલને માર્ચ 2021માં પકડવામાં આવ્યો હતો તે અત્યારે સાબરમતી જેલમાં છે. ઓડિશામાં બંને ભાઇઓની ગંજામમાં આવેલી 2.5 કરોડની મિલકત સીઝ કરાઈ છે અને તેમના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરાયા છે.