SURAT : કામરેજમાં સગા સાઢુએ મંદિર પરિસરમાં વ્યાપારીની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
Surat News : હત્યા બાદ હત્યારો સાઢુ ભાગી જતા હાલ હત્યા પાછળનું કારણ અકબંધ.
SURAT : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે મંદિરમાં વ્યાપારીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક વ્યાપારીની હત્યા તેના જ સગા સાઢુભાઈએ કરી છે. હત્યા બાદ હત્યારો સાઢુ ભાગી જતા હાલ હત્યા પાછળનું કારણ અકબંધ છે. જો કે રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
કામરેજના ઉંભેળ ગામે આવેલ સુર્યમુખી હનુમાનજીના મંદિરે ગત સાંજના સમયે ખૂની ખેલ ખેલાયો હતો. મંદિર નજીક આવેલ ઓરડીમાં બે ઇસમો વાતચીત કરી રહ્યાં હતા અને અચાનક જ વાતચીત ઝગડામાં પરિણમી અને ઝગડો હાથાપાઈ અને મારામારી સુધી પહોચી ગયો અને ખૂની ખેલ ખેલાયો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના એવા સીપાહીલાલ તિવારી અને શિવ લલ્લન પાંડે બંને સબંધમાં સાઢુભાઈ થાય છે ગઈકાલે સાંજે ધંધાના કામને લઇ સુર્યમુખી હનુમાન મંદિર ખાતે ભેગા થયા હતા અને મંદિરની ઓરડીમાં બેસી ચર્ચા કરી રહ્યા હતા. જોકે વાતચીત ઝગડામાં પરિણમી અને બંને વચ્ચે હાથાપાઈ થઇ શિવા લલ્લન પાંડેએ નજીકમાં પડેલા ધારદાર હથિયારથી સીપહીલાલ તિવારીને ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.
જોકે બંને વચ્ચે થતો ઝગડો જોઈ મંદિરના પુજારી છોડાવવા માટે વચ્ચે આવતા તેમને પણ ગંભીર ઈજાઓ થઇ હતી. સિપાહી લાલ તિવારીનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી શિવ લલ્લન પાંડે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો જોકે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત પુજારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને ઘટનાની જાણ કરવામાં આવી હતી. કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડમાં ટીટોડીએ મુક્યા 6 ઈંડા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન માનવામાં આવે છે.જોકે ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.