CRIME NEWS : મોરબીમાં ધોળા દિવસે 7.25 લાખની લૂંટ, યુવાનને આંતરી ચાર લૂંટારૂઓએ લૂંટ્યો
Morbi Crime News : બહાદુરગઢ ગામના પાટિયા નજીક યુવાનને બે બાઈકમાં આવેલ ચાર જેટલા ઇસમોએ આંતરી લઈને ૭.૨૫ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા.
Morbi : મોરબી પંથકમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે જેને ખાખીનો કોઈ ડર રહ્યો ન હોય તેમ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક બનાવો બનતા રહે છે. તો હવે લૂટારૂઓ બેફામ બન્યા છે જે ધોળા દિવસે લૂંટને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આજે 28 જુલાઈએ બહાદુરગઢ ગામના પાટિયા નજીક યુવાનને બે બાઈકમાં આવેલ ચાર જેટલા ઇસમોએ આંતરી લઈને 7.25 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા.
રૂપિયા લઈને જતા યુવકને આંતરી લૂંટ ચલાવી
મની ટ્રાન્સફર પેઢીમાં કામ કરતો યુવાન શૈલેષ વડસોલા આજે 7.25 લાખની રોકડ રકમ લઈને પોતાના બાઈક પર બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે બહાદુરગઢ-સોખડા ગામ નજીક બે બાઈકમાં સવાર ઈસમો તેની પાસે આવ્યા હતા અને યુવાનને રસ્તા વચ્ચે રોકી માથાકૂટ કરવા લાગ્યા હતા અને ઝપાઝપીમાં બંને ઈસમો મળીને યુવાનને નીચે પછાડી દીધો હતો દરમિયાન યુવાન પાસે રહેલ રોકડ ભરેલો થેલો લઈને લૂટારૂઓ ફરાર થયા હતા.
પોલીસે કરી નાકાબંધી
બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ, એલસીબી ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સમગ્ર મોરબી જીલ્લામાં નાકાબંધી કરી છે તેમજ હાઈવે સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ બનાવમાં ભોગ બનેલ યુવાન વાપીમાં મની ટ્રાન્સફર કંપનીમાં કામ કરતો હોય અને હાલ મોરબી રૂપિયાની લેવડદેવડ માટે આવ્યો હતો ત્યારે લૂંટની ઘટના બની હતી જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
લગ્નની લાલચ આપી યુવતી પર અનેક વાર દુષ્કર્મ કર્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વેરાવળની આ યુવતી પર એક પુરુષે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ થઇ હતી. મળતી માહિતી મુજબ દુષ્કર્મ કરનાર આરોપી પીડિતાના પિતાની હોડીમાં મજૂરી કામે આવતો હતો. આ દરમિયાન તેણે આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. બાદમાં અનેકવાર શરીર સબંધ બાંધી લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો.