(Source: ECI/ABP News/ABP Majha)
શેરડીના રસની જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ, ઠંડી બિયર ગ્રાહકોને અપાતી
રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દરરોજ નવા અખતરા કરતા રહે છે. વલસાડના પારડીમાં શેરડીના હરતા ફરતા રસના ચિચોડામાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની 180 બોટલો મળી આવી છે.
વલસાડ: રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દરરોજ નવા અખતરા કરતા રહે છે. વલસાડના પારડીમાં શેરડીના હરતા ફરતા રસના ચિચોડામાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની 180 બોટલો મળી આવી છે. દારુનો મોટો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. વલસાડમાં શેરડીના રસની જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. હરતા-ફરતા રસના કોલામાંથી શેરડીના રસની જગ્યાએ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. શેરડીના સાંઠા નીચેથી દારૂની બોટલો મળી આવી હતી. વલસાડના પારડીના બગવાડા ટોલનાકા નજીકથી દારુ મળી આવ્યો છે. શેરડીના રસના ચિંચોડામાં દારુનું વેચાણ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ તો સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શેરડીના સાંઠા ,શેરડીના ડુચાની નીચેથી રૂપિયા 35 હજારનો વિદેશી દારૂ ઝડપાયો છે. શેરડીના રસની આડમાં દારુનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વલસાડના પારડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ચોક્કસ બાતમીના આધારે રસનું વેચાણ કરી રહેલા શખ્સના ચિચોડાની તપાસ કરતા ચિચોડાના અલગ અલગ ખાનામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રસનો ચિચોડો કબજે કરી તેના ચાલકની ધરપકડ કરી લીધી છે.
ભાવનગરમાંથી દારુનું ટેન્કર ઝડપાયું હતું
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ભાવનગર જિલ્લામાં દારૂના ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ભાવનગરના બુટલેગરે વિદેશી દારૂનું ટેન્કર મંગાવ્યું હતું. તેની બાતમી પોલીસની મળી હતી. હરિયાણા પાસીંગનું સફેદ કલરનું ઓક્સિજન ટેન્કર ધોલેરા, પીપળીથી ભાવનગર તરફ જઈ રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધોલેરા-ભાવનગર હાઈવે પર ભડભીલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સાંજના ૭-૪૦ કલાકના અરસામાં બન્ને બાજુ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ, પાછળના ભાગે ઓક્સિઝન રેફ્રિજરેટેડ લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ લખેલું ટેન્કર નં.એચઆર.૬૫.એ.૮૨૬૨ ટોલબુથ આગળ પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતારી પૂછતાછ કર્યા બાદ દારૂનો ખૂબ મોટો જથ્થો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ સનેશ પોલીસના બે કોન્સ્ટેબલને સ્થળ પર બોલાવી ડ્રાઈવરને પોલીસ જાપ્તામાં રાખી ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જવાયું હતું.
અહીં દારૂનો જથ્થો વધુ પ્રમાણમાં હોય અને સરળતાથી નીચે ઉતારી શકાય તેમ ન હોવાથી કાળાતળાવ ગામેથી મિકેનિકને બોલાવી ટેન્કરની ટેન્કની ડાબી બાજુ પાછળના ભાગને ગેસ કટરથી કાપ્યા બાદ મજૂરો મારફત અંગ્રેજી દારૂની ૧૪,૩૨૮ અને બિયરના ટીન નં.૨૩૫૨ (કિ.રૂા.૩૩,૦૦,૭૨૦)નો જથ્થો ટેન્કરમાંથી ઉતાર્યો હતો. આ દારૂ-બિયરનો મસમોટો જથ્થો ઉપરાંત બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ઓક્સિજન લિક્વિડનું ટનેકર, કાગળોની લેમીનેટ નકલો મળી કુલ રૂ.૫૮,૧૩,૮૮૦ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial