'પત્નીનું કરિયર પર ધ્યાન આપવા પતિ સાથે કેનેડા જવાનો ઇનકાર કરવો ક્રૂરતા નહીં': મદ્રાસ હાઇકોર્ટ
બંને સમાન લાયકાત ધરાવે છે અને શિક્ષિત છે અને તેમની ઇચ્છા મુજબ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ એક ચુકાદો આપ્યો હતો કે પત્ની દ્ધારા પોતાની કારકિર્દી અને શિક્ષણને પ્રાથમિકતા આપવી અને પતિ સાથે તેના કાર્યસ્થળ પર જવાનો ઇનકાર કરવો તે ક્રૂરતા ગણાશે નહીં. લાઇવ લોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જસ્ટિસ જે.નિશા બાનૂ અને જસ્ટિસ આર શક્તિવેલની બેન્ચે કહ્યું હતું કે "અરજદાર પોતાની કારકિર્દીનું બલિદાન આપવા તૈયાર નથી અને ઇચ્છે છે કે પ્રતિવાદી/તેની પત્ની તેની સાથે આવીને રહે. તેવી જ રીતે પ્રતિવાદી પણ તેના શિક્ષણ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બંને એકબીજાની પ્રાથમિકતાઓ સાથે સમાધાન કરવા તૈયાર નથી. જેના પરિણામે તેમની વચ્ચે કેટલાક વૈવાહિક વિવાદો છે. બંને સમાન લાયકાત ધરાવે છે અને શિક્ષિત છે અને તેમની ઇચ્છા મુજબ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. જેથી આ કોર્ટ પ્રતિવાદીના પોતાના શિક્ષણ અથવા કારકિર્દીને પ્રાથમિકતા આપવામાં કોઈ ખામી જોઇ શકતી નથી. તેથી, આ કોર્ટનો મત છે કે આ કેસમાં છૂટાછેડા માટે ક્રૂરતાનો આધાર બનાવી શકાય નહીં."
કોર્ટ એક પતિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં ફેમિલી કોર્ટના છૂટાછેડા માટેની અરજી ફગાવી દેવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. પતિએ તેની પત્ની દ્વારા ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિએ દલીલ કરી હતી કે તેમના લગ્ન 2014માં હિન્દુ રીતરિવાજ અને વિધિ અનુસાર થયા હતા. તેણે દલીલ કરી હતી કે વૈવાહિક ઘરમાં તેમના ટૂંકા રોકાણ દરમિયાન પત્નીએ તિરસ્કારપૂર્ણ, અપમાનજનક અને ઉદાસીન વર્તન કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે પત્ની કટાક્ષ કરનારી, ઝઘડાખોર અને અપમાનજનક હતી અને તેણે સંબંધમાં કોઈ રસ દાખવ્યો ન હતો.
પતિએ વધુમાં દલીલ કરી હતી કે 2015માં જ્યારે તેને કેનેડામાં નોકરી મળી અને ટ્રેનિંગમાં જવાનું ત્યારે તેણે પત્ની માટે પેઇંગ ગેસ્ટ રહેવાની વ્યવસ્થા કરી હતી કારણ કે તે તેના માતાપિતા સાથે રહેવા તૈયાર ન હતી. જોકે, જ્યારે તે ભારત પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ તેની સાથે રહેવાનો ઇનકાર કરી દીધો. તેમણે દલીલ કરી હતી કે 2016માં તેમને ખબર પડી કે તેમની પત્ની તેમને જાણ કર્યા વિના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ છે. આમ, તેણીએ હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13(1)(i-a) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી.
બીજી તરફ પત્નીએ આરોપોને નકારી કાઢ્યા અને દલીલ કરી કે તેણી તેના પતિ સાથે પ્રેમપૂર્વક વર્તન કર્યું છે અને ઘરની બધી જવાબદારીઓ નિભાવે છે. તેણીએ તેના તરફથી કોઈપણ દુર્વ્યવહારનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેના પતિએ એપ્રિલ 2016માં તેની સાથેના બધા સંપર્કો તોડી નાખ્યા હતા અને માર્ચ 2016માં કેનેડા જઇને તેને છોડી દીધી હતી. બાદમાં પત્નીને ઉચ્ચ શિક્ષણ માટે યુએસએની એક યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો અને તેણે સ્કાયપેના માધ્યમથી પતિને આ વાતની જાણ કરી હતી. તેણીએ કોર્ટને એમ પણ કહ્યું કે તેણી તેના પતિ સાથે ફરીથી રહેવા તૈયાર છે જે પોતાની નોકરી ગુમાવ્યા બાદ ભારત પરત ફર્યો હતો. જોકે તેને હિંસામુક્ત અને માનવીય વૈવાહિક વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તે રહેવા તૈયાર છે.
ફેમિલી કોર્ટે પતિ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજી ફગાવી દીધી અને કહ્યું કે ક્રૂરતાના આરોપો સાબિત થયા નથી. કોર્ટે કહ્યું કે દંપતી વચ્ચેનો ઝઘડો નાનો હતો અને તે લગ્નનો સામાન્ય ભાગ હતો. કોર્ટે કહ્યું કે નાના-મોટા ઝઘડા ઇચ્છનીય નથી પરંતુ તે ક્રૂરતા નથી. પતિએ ક્રૂરતા માટે અન્ય દલીલો ઉઠાવી હોવા છતાં કોર્ટે કહ્યું કે તે પુરાવા સાથે તેને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આમ, કોર્ટે તારણ કાઢ્યું કે પતિ ક્રૂરતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.
ઉપરાંત, કોર્ટે નોંધ્યું હતું કે સમાધાન પછી પણ પક્ષકારો હાર ઝૂકવા તૈયાર નહોતા અને પતિ-પત્ની વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નહોતી. તેથી લગ્નને ભંગ કરવા યોગ્ય રહેશે તેવું સમજીને કોર્ટે અરજીને મંજૂરી આપી હતી.





















