Election Result 2022 : ગુજરાતમાં ભાજપ અને AAP કાર્યાલયોમાં જશ્ન, કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો
એક બાજુ ભાજપ અને AAP કાર્યાલય પણ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલએ એક પણ નેતા કે કાર્યકર્તા જોવા નથી મળી રહ્યાં.
AHMEDABAD : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહીત ગોવા, ઉત્તરાખંડ, મણીપુર અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલણ સામે આવી ગયા છે. પાંચ રાજ્યમાંથી 4 રાજ્યમાં ભાજપ આગળ છે અને પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. એક બાજુ ભાજપ અને AAP કાર્યાલય પણ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલએ એક પણ નેતા કે કાર્યકર્તા જોવા નથી મળી રહ્યાં.
યુપી સહીત 3 રાજ્યોમાં ભાજપ આગળ
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપે સતત બીજી વાર જીત મેળવીણે ઈતિહાસ રચી દીધો છે. જનતાએ સપા, બસપા અને કોંગ્રેસને જાકારો આપી દીધો છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે ભાજપ ગઠબંધન 274 સીટો પર આગળ છે. સમાજવાદી પાર્ટી ગઠબંધન 118, બસપા અને કોંગ્રેસ 4-4 બેઠકો પર આગળ છે. ગોવામાં ભાજપ હવે 18 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 15 બેઠકો પર આગળ છે. ઉત્તરાખંડ અને મણીપુરમાં પણ ભાજપ આગળ છે.
પંજાબમાં AAPનું શાનદાર પ્રદર્શન
પંજાબમાં આમ આદમી પાર્ટીને 90થી વધુ સીટો પર લીડ મળી છે. ટ્રેન્ડને અનુસરીને આમ આદમી પાર્ટી ઉજવણી કરી રહી છે. પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે ભગવંત માન ટૂંક સમયમાં સીએમ પદના શપથ લેશે, પંજાબના લોકોએ AAPને તક આપવાનું મન બનાવી લીધું છે.ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં એક માત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી, પણ હવે ત્યાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં. કોંગ્રેસના હાથમાંથી પંજાબ સરકી ગયું. રાહુલ ગાંધી દ્વારા ચરણજીતસિંહ ચન્નીણે સીએમ બનાવાવનો માસ્ટરસ્ટ્રોકનો કોઈ જાદુ ચાલ્યો નહી.
કોંગ્રેસ કાર્યાલયે કાગડા પણ નથી ઉડી રહ્યાં
ચાર રાજ્યોમાં ભાજપ અને એક રાજ્ય પંજાબમાં સારા પ્રદર્શન બદલ ભાજપ અને AAPના કાર્યકરો પોતપોતાના કાર્યાલયે ઉજવણી કરી રહ્યા છે અને આનંદ સાથે નાચી રહ્યાં છે, તો બીજી બાજુ પાંચેય રાજ્યમાં કારમી હાર બાદ કોંગ્રેસના કાર્યાલયે કાર્યકર કે નેતા દેખાતા નથી. આ સાથે જ કોંગ્રેસે હમેશની માફક EVMના રોદણાં રોવાનું શરૂ કરી દીધું છે.