Gujarat Elections 2022: 12 ડિસેમ્બરે શપથવિધી કાર્યક્રમ, જાણો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં કોને-કોને મળશે સ્થાન, ચર્ચાઓ શરૂ
એક તર્ક અનુસાર હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
Gujarat Elections 2022: 156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
એક તર્ક અનુસાર હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને મંત્રી પદ મળી શકે છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ દાદાની નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે. તો વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.
આ સિવાય અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કુંવરજી બાવળીયા, ડૉ. દર્શિતા શાહ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાને નવી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. દેવાભાઈ માલમ, સંજય કોરડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, પંકજ દેસાઈ, અર્જૂનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર અથવા સી.કે. રાઉલજીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવો રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યો છે.
મનીષાબેન વકીલ અથવા અક્ષય પટેલ, દર્શના વસાવા અથવા ડી.કે. સ્વામી, મુકેશ પટેલ અથવા ગણપત વસાવા, સંગીતા પાટીલ અથવા વિનુભાઈ મોરડીયા, વિજય પટેલ અથવા જીતુભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ અથવા નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદના કાર્યકાળમાં પણ આટલી મોટી જીત મેળવી નહોતી. 182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે.
હવે નવી સરકારની શપથવિધીની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી અને ગૃહ અમિત શાહ પણ હાજર રહેશે. શપથ ગ્રહણ પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનના નામની પસંદગી કરાશે.