ચૂંટણીમાં બીજેપી માટે ખલનાયક સાબિત થયા આ નેતાઓ ? વાણીવિલાસે પાર્ટીને પહોંચાડ્યુ મોટુ નુકસાન, લિસ્ટ
LokSabha Elections Result 2024: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીએ આ વખતે 400 પાર કરવાનો નારો આપ્યો હતો. 4 જૂને જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતુ
LokSabha Elections Result 2024: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીએ આ વખતે 400 પાર કરવાનો નારો આપ્યો હતો. 4 જૂને જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું, કારણ કે 400થી વધુ બેઠકો જીતવાનો દાવો કરનારી બીજેપી માત્ર 240 સીટો જ જીતી શકી હતી. ભાજપને ઓછી બેઠકો મળવાનું મુખ્ય કારણ બંધારણ બદલવા અંગે પક્ષના નેતાઓના નિવેદનો હતા, જેના પરિણામો ભાજપને લોકસભા ચૂંટણી દરમિયાન ભોગવવા પડ્યા હતા. જાણો અહીં કયા નેતાઓએ પાર્ટીને પહોંચાડ્યુ નુકસાન...
લલ્લુસિંહઃ -
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી દરમિયાન લલ્લુસિંહનું એક નિવેદન ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવું બંધારણ બનાવવા માટે ભાજપને સંસદમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે.
અનંત હેગડેઃ -
કર્ણાટકની ઉત્તર કન્નડ લોકસભા સીટ પરથી 6 વખતના સાંસદ અને ભાજપના નેતા અનંત હેગડેએ પણ બંધારણને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો બંધારણમાં સુધારો કરવો હશે તો NDAને 400 સીટોની જરૂર પડશે. તેમના નિવેદન બાદ ભાજપે તેમને સાઇડલાઇન કર્યા અને તેમની ટિકિટ પણ રદ્દ કરી દીધી.
જ્યોતિ મિર્ધાઃ -
રાજસ્થાનની નાગૌર સીટ પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાએ ચૂંટણી રેલી દરમિયાન બંધારણ બદલવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશના હિતમાં ઘણા કઠિન નિર્ણયો લેવા પડશે. તેમના માટે આપણે ઘણા બંધારણીય ફેરફારો કરવા પડશે. જો કે મિર્ધાને હનુમાન બેનીવાલ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
હિમંતા બિસ્વા સરમાઃ -
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો ભાજપ 400નો આંકડો પાર કરશે તો મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન અને કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સમગ્ર દેશમાં યૂનિફોર્મ સિવિલ કૉડ (યુસીસી) લાગુ કરવા માટે એનડીએને 400થી વધુ સીટો જીતવી પડશે.
બંધારણના મુદ્દા પર ફસાઇ બીજેપી
લોકસભાની ચૂંટણીમાં બંધારણ બદલવા અંગે ભાજપના નેતાઓની અલગ-અલગ દલીલો અને દાવાઓનો માર પક્ષને સહન કરવો પડ્યો હતો. વિપક્ષોએ આ મુદ્દે ભાજપને ઘેરી લીધું અને આવા નિવેદનો કરનારા નેતાઓને લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.