‘કામ જોઈતું હોય તો મારી સાથે સૂવું પડશે’: કાસ્ટિંગ કાઉચ પર બોલિવૂડ એક્ટ્રેસના ઘટસ્ફોટથી ખળભળાટ
Casting couch: ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ની અભિનેત્રીએ કહ્યું- ડિરેક્ટર્સ અડધી રાત્રે ફોન કરીને આવી ઓફર આપતા હતા.

Kashika Kapoor: ફિલ્મ 'આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી કશિકા કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કડવા સત્યનો પર્દાફાશ કર્યો છે. કશિકાએ કાસ્ટિંગ કાઉચને લઈને પોતાના ચોંકાવનારા અનુભવો શેર કર્યા છે. તેણે જણાવ્યું કે મુંબઈ આવ્યા બાદ તેણે અનેક ઓડિશન આપ્યા, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક દિગ્દર્શકો તો તેને સીધી જ કહેતા હતા કે જો તારે કામ જોઈતું હોય તો મારી સાથે સૂવું પડશે.
એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કશિકા કપૂરે જણાવ્યું હતું કે, ‘જ્યારે હું મુંબઈ આવી ત્યારે મેં લગભગ ૧૫૦ જેટલા ઓડિશન આપ્યા હતા અને તે બધામાં મારો અસ્વીકાર થયો હતો. પરંતુ આટલી નિષ્ફળતાઓ છતાં મેં ક્યારેય હાર માની નહોતી.’
પોતાના અનુભવ વિશે વાત કરતાં કશિકાએ કહ્યું, ‘આ દરમિયાન મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક કાળું સત્ય પણ જોવા મળ્યું. એક વખત મને રાત્રે ત્રણ વાગ્યે એક ડિરેક્ટરનો ફોન આવ્યો. તેણે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે મને કામ આપશે, પરંતુ તેના બદલામાં મારે તેની સાથે સૂવું પડશે. હું હંમેશાં આવી ઓફરનો ઇનકાર કરતી હતી, કારણ કે મને એવું લાગતું હતું કે દસ વર્ષ પછી જ્યારે હું મારી જાતને જોઉં ત્યારે મને કોઈ પણ પ્રકારનો અફસોસ ન થવો જોઈએ.’
કાશિકાએ વધુમાં જણાવ્યું કે, ‘કાસ્ટિંગ ડિરેક્ટર્સે પણ મને ઘણી વખત ફોન કરીને આવી ઓફર્સ આપી, પરંતુ મેં દરેક વખતે તેમને ના પાડી દીધી. મને એ વાતની નવાઈ લાગતી હતી કે આ લોકો કેમ ઊંઘતા નથી. આ કેવા પ્રકારના લોકો છે જે વિચાર્યા વગર આટલી મોડી રાત્રે ફોન કરે છે. જોકે, મારા મનમાં એક જ વાત હતી કે જો મારે આ ઇન્ડસ્ટ્રીમાં કંઈક બનવું હોય તો મારે સખત મહેનત કરવી પડશે અને મારી મહેનતના કારણે જ આજે હું અહીં સુધી પહોંચી શકી છું.’
કાશિકાના જણાવ્યા અનુસાર, તેની માતાએ તેને હંમેશાં એક જ વાત શીખવી છે - ક્યારેય હાર ન માનવી. આજે તેની અંદર જે પણ હિંમત અને શક્તિ છે, તે તેની માતા પાસેથી જ મળી છે. આજે તે એક મજબૂત અને હિંમતવાન છોકરી તરીકે પોતાની ઓળખ બનાવી શકી છે.





















