Amit Mistry Death: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતાનું હાર્ટ એટેકથી થયું નિધન, હિન્દી ફિલ્મોમાં પણ કરેલું કામ
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા.
મુંબઈઃ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી રંગમંચની દુનિયાના લોકપ્રિય એક્ટર અને અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એક્ટર અમિત મિસ્ત્રીનું આજે સવારે 9-30થી 10 કલાકની વચ્ચે હૃદયરોગનો હુમલો આવવાથી નિધન થયું છે.
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.
અમિત મિસ્ત્રીએ બે યાર જેવી તમામ હિટ ગુજરાતી હિટ ફિલ્મોમાં કામ કર્યુ અને રંગમંચની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવવા ઉપરાંત ‘ક્યા કહના’, ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’, ‘99’, ‘શોર ઇન ધ સિટી’, ‘યમલા પગલા દીવાના’, ‘અ જેન્ટલમેન’ અને હાલમાં જ આવેલ ‘બૈન્ડિટ બંદિશ’ જેવી લોકપ્રિય વેબ સીરીઝમાં પણ કામ કર્યું હતું.
અમિત મિસ્ત્રીના મેનેજર મહર્શિ દેસાઈએ એબીપીને જણાવ્યું કે, અમિત મિસ્ત્રીના છૂટાછેડા થયા હતા. તેઓ 10 વર્ષ પહેલા જ પત્નીથી અલગ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, અમિત મિસ્ત્રીની માતા હાલમાં સંબંધીઓની મદદતી અમિતની અંતિમ ક્રિયાની વ્યવસ્થામાં લાગ્યા છે.
દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. RIP શ્રવણ રાઠોડ, RIP અમિત મિસ્ત્રી.
સંગીતકાર શ્રવણનું નિધન
ગઈકાલે જ બોલિવૂડના સંગીતકાર જોડી નદીમ શ્રવણના સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું નિધન થયું હતું. તેમને મુંબઈની રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. 67 વર્ષિય સંગીતકાર શ્રવણ રાઠોડને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણકુમાર રાઠોડના પુત્રએ જણાવ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમના હ્રદયમાં સમસ્યા હતી અને લોકડાઉનને કારણે તેને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
શ્રવણ રાઠોડ (Shravan Rathod) ને હદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોના (Coronavirus) એ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.