Adipurush : શું તમે દેશવાસીઓને મુર્ખ સમજો છો? : હાઈકોર્ટે આદિપુરૂષના નિર્માતાઓને ઘઘલાવ્યા
સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મના સંવાદો લખનાર મનોજ મુન્તશીર શુક્લાને પણ આ કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મનોજને નોટિસ મોકલીને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.
Bollywood Film Adipurush : ફિલ્મ આદિપુરુષને લઈને ચાલી રહેલો વિવાદ બંધ થવાને બદલે વધુ વધી રહ્યો છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મના નિર્માતાઓને માત્ર ઠપકો જ નથી આપ્યો પરંતુ સેન્સર બોર્ડને પણ ફટકાર લગાવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મના સંવાદો લખનાર મનોજ મુન્તશીર શુક્લાને પણ આ કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મનોજને નોટિસ મોકલીને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.
કેટલાક દ્રશ્યો તો સાવ A કેટેગરીના: કોર્ટ
લખનૌ બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ફિલ્મમાં જે પ્રકારના સંવાદો છે તે એક મોટો મુદ્દો છે., રામાયણ લોકો માટે એક ઉદાહરણ છે અને તે વાંચીને તેઓ ઘરની બહાર નીકળે છે. કોર્ટે કહ્યું હતું કે, ફિલ્મમાં કેટલીક બાબતો સાથે છેડછાડ કરવાની જરૂર નહોતી. લોકોએ ફિલ્મ જોયા બાદ કાયદો અને વ્યવસ્થાને નુકસાન ના પહોંચાડ્યું તે સારું છે. ફિલ્મમાં ભગવાન હનુમાન અને દેવી સીતા દર્શાવવામાં આવ્યા કેવા છે તે એકદમ અજુગતુ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મના કેટલાક સીન એ કેટેગરીના લાગે છે. તેને પહેલા જ હટાવી દેવા જોઈએ.
ડિસ્ક્લેમરથી બચી ના શકાય : કોર્ટ
સુનાવણી દરમિયાન જ્યારે નિર્માતાઓએ ફિલ્મમાં ડિસ્ક્લેમર મૂકવાની વાત કરી તો કોર્ટે ફરીથી આકરી પ્રતિક્રિયા આપી. કોર્ટે પૂછ્યું હતું કે, શું ડિસક્લેમર લગાવનારા લોકો દેશવાસીઓ અને યુવાનોને મૂર્ખ માને છે? તમે ભગવાન રામ, લક્ષ્મણ, ભગવાન હનુમાન, રાવણ અને લંકા બતાવો અને પછી કહો કે આ રામાયણ નથી? આ લોકો સહિષ્ણું છે તો શું શું તેમની વારંવાર પરીક્ષા લેવામાં આવશે?
સેન્સર બોર્ડે પણ પોતાની જવાબદારી ના નિભાવી
આ કેસની સુનાવણી જસ્ટિસ રાજેશ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેંચ કરી રહી છે. પીટીશનર્સ પ્રિન્સ લેનિન અને રંજના અગ્નિહોત્રીની અરજી પર સુનાવણી કરતી વખતે બેન્ચે એ પણ સવાલ કર્યો હતો કે, શું સેન્સર બોર્ડે પોતાની જવાબદારી નિભાવી છે? કોર્ટે સોલિસિટર જનરલને સેન્સર બોર્ડને પૂછવા કહ્યું હતું કે, આ કેવી રીતે કરવામાં આવ્યું. રાજ્ય સરકાર આ મામલે કંઈ કરી શકે તેમ નથી. આ પહેલા સોમવારે પણ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, રામાયણ-કુરાન જેવા ધાર્મિક ગ્રંથોને બક્ષવામાં આવે. આ લાગણીઓ સાથે રમત સમાન છે.