Jacqueline Fernandez: 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલિન ફર્નાન્ડિઝની આજે ફરી કરાશે પૂછપરછ
બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની સુકેશ ચંદ્રશેખર સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં આજે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે
Jacqueline Fernandez Summoned Money Laundering Case: બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની સુકેશ ચંદ્રશેખર સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં આજે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. જેકલિન સવારે લગભગ 11:30 વાગ્યે મંદિર માર્ગ ખાતે EOW ઓફિસ પહોંચશે. આ પહેલા અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની બુધવારે લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તે અસ્વસ્થ જણાતી હતી. પોલીસે તેને 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. કેટલાક પ્રશ્નોના જવાબ સંતોષકારક ન મળતાં તેને ફરીથી બોલાવવામાં આવી છે.
જેકલિન પર શું છે આરોપો
દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીને છેતરપિંડી અને ખંડણી કરીને મોંઘી ભેટ આપી હતી. કારણ કે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, તેથી જ જેકલિન અને નોરા ફતેહીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. કારણ કે આ બંનેએ ગુનાહિત પ્રવૃતિઓ દ્વારા સુકેશ ચંદ્રશેખરે મેળવેલા પૈસાનો ફાયદો ઉઠાવ્યો છે. નોરા ફતેહીની 2 સપ્ટેમ્બરે જ પૂછપરછ કરવામાં આવી હતી.
શા માટે થઈ રહી છે પૂછપરછ?
આર્થિક અપરાધ શાખાના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ માત્ર છેતરપિંડી અને ખંડણીનો કેસ જ નોંધાયેલો નથી, પરંતુ તેમની વિરુદ્ધ મકોકા હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તેમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હવે આ કેસમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ એટલે કે પૂરક ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. આ જ કારણ છે કે જેકલિન ફર્નાન્ડિઝને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જેકલિનને ખૂબ જ મોંઘી ભેટ આપવામાં આવી હતી, જે સુકેશ ચંદ્રશેખરે ગુનાની કમાણીમાંથી મેળવી હતી.
EDએ આ કેસમાં મની લોન્ડ્રિંગ હેઠળ પણ કેસ નોંધ્યો છે અને જેકલિનની પણ પૂછપરછ કરી છે. EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે જેકલિનને ગુનામાં સુકેશ ચંદ્રશેખરની સંડોવણીની જાણ હતી. દિલ્હી પોલીસ એ સ્પષ્ટતા પણ જાણવા માંગે છે કે શું જેકલિન ખરેખર જાણતી હતી કે સુકેશે તેને આપેલી મોંઘી અને કિંમતી ભેટો ગુનાની કમાણીમાંથી કમાઈ હતી.
સુકેશે અનેક હાઈ-પ્રોફાઈલ લોકોને છેતર્યા છે
ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંઘ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ લોકો સાથે કથિત રીતે છેતરપિંડી અને ખંડણી કરવા બદલ ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચંદ્રશેખર સાથેના કથિત જોડાણ માટે બોલિવૂડના ઘણા કલાકારો અને મોડલની પૂછપરછ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં ચંદ્રશેખરને 2017ના ચૂંટણી પંચના લાંચ કેસથી સંબંધિત અન્ય મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં AIADMKના ભૂતપૂર્વ નેતા કથિત રીતે સામેલ હતા.