લતાજીને કોના કારણે લાગ્યો કોરોનાનો ચેપ ? માનવીય અભિગમના કારણે બન્યો કોરોનાનો ચેપ ને ગયો જીવ........
ભારતના મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકર કોરોના સામે હારી ગયાં. લતાજીનું નિધન થતાં કરોડો ચાહકો આઘાતમાં છે.
મુંબઈઃ અંતે ભારતના મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકર કોરોના સામે હારી ગયાં. લતાજીનું નિધન થતાં કરોડો ચાહકો આઘાતમાં છે. લતાજીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
લતા મંગેશકરના નિધન માટે તેમના નોકરને આવેલો કોરોના જવાબદાર છે. લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO ) મયૂરેશ પઈએ કહ્યું હતું કે, લતાદીદીના ઘરમાં કામ કરતા નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં. આ કારણે તેમને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. આ નોકરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેને દૂર રાખવાના બદલે લતાજીએ માનવીય અભિગમ અપનાવ્યો હતો. તેના કારણે તેમને પણ કોરોના થઈ ગયો.
લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. કોરોનાને કારણે શનિવાર ને 8 જાન્યુઆરીની મોડી રાતે લતાજીને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પછી તરત જ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે તે સમાચાર બે દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીએ આવ્યા ત્યારથી કરોડો ચાહકોના જીવ અધ્ધર હતા. છેવટે કરોડો ચાહકોના દિલને આઘાત લાગે એવી ઘટનામાં તેમનું નિધન થયું છે.
લતાજીને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU )માં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરતી હતી અને વચ્ચે તેમની તબિયતમાં થોડોક સુધારો પણ થયો હતો. તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ પછી અચાનક તેમની તબિયત લથડતાં ફરી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU )માં દાખલ કરાયાં હતાં કે જ્યાં તેમણે રવિવારે સવારે 9 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. દેશના કરોડો લોકો લતાજી સાજાં થઈ જાય એવી પ્રાર્થના કરતાં હતાં પણ તેમની પ્રાર્થના ફળી નથી. લતાજીએ આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય લેતાં કરોડો ભારતીયો આઘાતમાં છે.