પાકિસ્તાનઃ મૃત્યુની એક રાત પહેલાં ખુબ રડ્યા હતા પાક. સાંસદ આમિર લિયાકત, કહ્યું હતું - હું મરી જઈશ...
પાકિસ્તાની સાંસદ અને જાણીતા TV હોસ્ટ આમિર લિયાકત હુસૈનના મૃત્યુના સમાચારથી સમગ્ર પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે.
પાકિસ્તાની સાંસદ અને જાણીતા TV હોસ્ટ આમિર લિયાકત હુસૈનના મૃત્યુના સમાચારથી સમગ્ર પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. આમિર પાકિસ્તાનના જાણીતા હોસ્ટ અને કલાકાર હતા. પોતાના કામ સિવાય તે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. આમિર લિયાકત મનોરંજન જગતથી લઈને રાજકારણ સુધી પાકિસ્તાનની સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા.
આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આમિરની તબિયત વહેલી સવારે ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કોઈ શંકાસ્પદ કારણ ધ્યાનમાં નથી આવ્યું. હવે આ દરમિયાન આમિરના નોકરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે આમિરના મૃત્યુ પહેલાની વાત કહી છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ બોલ સાથેની વાતચીતમાં આમિરના નોકરે કહ્યું, 'અમે અબ્બાસ સાથે અમારા પૈસા લેવા માટે અંદર આવ્યા હતા. અંદર આવ્યો ત્યારે સાહેબ સોફા પર આડા પડ્યા હતા. તેમના પગ સોફા પરથી નીચે હતા. ત્યારે અમને કંઈ ખબર નહોતી. પછી અમે સાહેબને હલાવ્યા અને પાણીના છાંટ્યું. પણ તેમણે કોઈ હરકત ના કરી તો અમને કંઈક સમજાયું, પછી અમારામાંથી કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી. જે બાદ એમ્બ્યુલન્સ આવી અને તેમને લઈ ગઈ.
તે જ સમયે, લાહોર રંગ નામના પાકિસ્તાની મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે, આમિરના નોકરે કહ્યું કે, 'આમિર રાત્રે કહી રહ્યા હતા કે, હું મરી જઈશ... હું મરી જઈશ... રાત્રે તે ખૂબ રડ્યા હતા, જોકે રાત્રે તે એકદમ તેઓ સ્વસ્થ અને બરાબર હતા. ઊલટાનું સવારે પણ તેઓ એકદમ સ્વસ્થ હતા. પછી સવારે 10 વાગ્યા પછી તેમની તબિયત લથડી હતી. તે પછી અમે એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.