રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરનારાઓ માટે ઈનામની રકમમાં પાંચ ગણો વધારો કરવાની જાહેરાત કરી, કેશલેસ સારવાર યોજના અને હિટ એન્ડ રન પીડિતો માટે સહાયની પણ જાહેરાત.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા નાગરિકો માટે ઈનામની રકમ વધારીને ₹25,000 કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ રકમ ₹5,000 છે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેતા અનુપમ ખેર સાથેની વાતચીતમાં ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયને સૂચના આપી દીધી છે.
તેમણે કહ્યું કે અકસ્માતના ભોગ બનેલા લોકોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડનાર વ્યક્તિ માટે વર્તમાન ઈનામની રકમ ઘણી ઓછી છે. જો અકસ્માતના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેમના બચવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. લોકોને પીડિતોની મદદ કરવા અને તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા હેતુથી કેન્દ્ર સરકારે ઑક્ટોબર 2021થી આ પુરસ્કારની શરૂઆત કરી હતી.
વર્તમાન યોજના હેઠળ, મદદ કરનાર વ્યક્તિને ઈનામની રકમ સાથે માન્યતા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ઈનામની રકમ યોગ્ય વ્યક્તિને મળે તે સુનિશ્ચિત કરવા માટે ચકાસણી પ્રક્રિયા પણ રાખવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની નીતિ મુજબ, જીવલેણ અકસ્માતના પીડિતોની મદદ કરનાર વ્યક્તિ જ આ પ્રોત્સાહન અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે.
કેશલેસ સારવાર યોજના અને હિટ એન્ડ રન પીડિતો માટે સહાય
થોડા દિવસો પહેલાં જ નીતિન ગડકરીએ 'કેશલેસ ટ્રીટમેન્ટ' યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ સરકાર અકસ્માત પીડિતોની 7 દિવસની સારવાર માટે ₹1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે. જો પોલીસને 24 કલાકની અંદર અકસ્માતની જાણ થાય તો સરકાર આ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત, તેમણે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારો માટે ₹2 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી.
ગડકરીએ માર્ગ સલામતીને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 2024માં દેશભરમાં લગભગ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 30,000 મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. તેમણે એ પણ જણાવ્યું કે 66% અકસ્માતોમાં 18થી 34 વર્ષની વયના લોકો સામેલ છે અને શાળાઓ અને કોલેજો નજીકના અયોગ્ય પ્રવેશ-નિર્ગમ સ્થાનોના કારણે 10,000 બાળકોના મોત થયા છે.
આ પણ વાંચો...
દિલ્હીમાં ભાજપ સામે 15 બેઠકો પર ઉમેદવાર ઉતારના આ નેતાએ કહ્યું – ભાજપની સરકાર બને તેવા પ્રયત્ન કરીશું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
