લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય, નિષ્પક્ષ તપાસની માગણી બાદ SMC કરશે સમગ્ર મામલાની તપાસ.

Amreli letter scandal investigation: અમરેલી લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પીડિત પક્ષ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, ખુદ પીડિત દ્વારા IPS નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી નામજોગ માંગણી પણ કરવામાં આવી હતી.
આ નિર્ણયને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ પણ આવકાર્યો છે. મહત્વની વાત એ છે કે જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે, એટલે કે નિર્લિપ્ત રાય, તેઓ અગાઉ અમરેલીના એસપી રહી ચૂક્યા છે. અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અને લોકોનો તેમના પર ખૂબ જ વિશ્વાસ છે.
પીડિત પક્ષની માંગણી છે કે ગરીબ ઘરની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવી ઘટના અન્ય કોઈ દીકરી સાથે ન થવી જોઈએ. આ ઘટના પાછળ જે કોઈનો પણ હાથ હોય, તે તમામ લોકોના નામ તપાસમાં સામે આવવા જોઈએ.
અમરેલીના લેટરકાંડનો વિવાદ હવે પોલીસ ભવન સુધી પહોંચ્યો હતો. લેટરકાંડમાં જેનું નામ છે તે પાયલ ગોટી પણ પોલીસ ભવન પહોંચ્યા હતા અને DGP વિકાસ સહાયને મળ્યા હતા. કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર અને મનહર પટેલ પણ પાયલ ગોટી સાથે પોલીસ ભવન પહોંચ્યા હતા.
નોંધનીય છે કે, અમરેલીના ચર્ચિત લેટરકાંડમાં ગઈકાલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે આ કડક કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પાયલ ગોટીના આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી, જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા અને મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો...
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
