Shraddha Murder Case : શ્રદ્ધા વાકર હત્યાકાંડ સાથે ગંભીર ચેડા, ટીવી શોને લઈને મચ્યો હોબાળો
આ શોમાં શ્રદ્ધા વાકર કેસ સાથે ગંભીર છેડા કરવામાં આવી રહ્યાં હોવાનો અનેક લોકોનો આરોપ છે. સાથે જ ધાર્મિક લાગણી પણ દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે.
#BOYCOTTSonyTV : શ્રદ્ધા વોકર મર્ડર કેસે દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી. આ ચકચારી કેસ દેશનો સૌથી ભયાનક હત્યા કેસ હોવાનું માનવામાં આવે છે. શ્રદ્ધાની હત્યાનો આરોપ તેના બોયફ્રેન્ડ આફતાબ પર જ લાગ્યો હતો. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના 35 ટુકડા કરી રાજધાની દિલ્હીની આસપાસ જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા. આ કેસની તપાસ હજુ પુરી પણ નથી થઈ ને એક ટીવી શો પર તેનો એપિસોડ રજુ કરવામાં આવ્યો છે જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
આ શોમાં શ્રદ્ધા વાકર કેસ સાથે ગંભીર છેડા કરવામાં આવી રહ્યાં હોવાનો અનેક લોકોનો આરોપ છે. સાથે જ ધાર્મિક લાગણી પણ દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બોયકોટ સોનીટીવી નામનો હેશટેગ ટ્રેંડ કરી રહ્યો છે.
ક્રાઈમ પેટ્રોલની યુક્તિ કામમાં ના આવી
આ ટીવી શોનું નામ છે ક્રાઈમ પેટ્રોલ. શોમાં તાજેતરમાં શ્રદ્ધા કેસને ટીવી પર જુદી રીતે રજૂ કરવામાં આવ્યો. તેનું નાટ્ય રૂપાંતરણ અમદાવાદ-પુણે મર્ડરના નામે કરવામાં આવ્યું હતું. તેનું પ્રસારણ થયું ત્યારથી જ બોયકોટ સોની ટીવી સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડમાં છે. લોકોનું કહેવું છે કે આ કહાની શ્રદ્ધા અને આફતાબની છે. જેને શોમાં કેટલાક ફેરફાર સાથે બતાવવામાં આવી રહી છે.
ધર્મ પરિવર્તનના નામે ચેડા
શોમાં શ્રદ્ધા અને આફતાબનો ધર્મ બદલવામાં આવ્યો છે. શ્રદ્ધાને એના ફર્નાન્ડિસ નામની ક્રિશ્ચિયન છોકરી તરીકે બતાવવામાં આવી છે. તો શ્રદ્ધાની હત્યા કરનાર આફતાબને હિન્દુ નામ આપવામાં આવ્યું છે. એપિસોડમાં હત્યારો મિહિર વ્યવસાયે યોગ શિક્ષક છે અને તેની માતા ખૂબ જ ધાર્મિક મહિલા તરીકે ચિતરવામાં આવી છે.
હિંદુ ધર્મ જ નિશાને
આવી સ્થિતિમાં પહેલો એપિસોડ 27 ડિસેમ્બરે બતાવવામાં આવ્યો હતો. જેને લઈને યુઝર્સનું કહેવું છે કે, આ શો દ્વારા હિન્દુ ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. કારણ કે શોમાં બતાવવામાં આવ્યું છે કે, મિહિર લગ્ન પછી આનાને મારતો હોય છે. આવી સ્થિતિમાં તેની માતા કાલવને તેના હાથમાં બાંધે છે જેથી તેનો ગુસ્સો શાંત રહે. જે ધાર્મિક લાગણીઓ ભડકાવનારો છે.